આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા (Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

કુમાર મંગલમ બિરલાએ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી બુધવારે રાજીનામું આપ્યું હતું. વોડાફોન આઈડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂરી કરી લીધું હતું. કંપનીએ બીએસઈને જાણકારી આપી હતી કે બિરલાના રાજીનામા બાદ હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા છે. વોડાફોન આઇડિયા બ્રિટનની કંપની વોડાફોન અને ભારતના બિરલા ગ્રૂપ વચ્ચેનું ટેલિકોમ સંયુક્ત સાહસ છે. કંપની સામે જંગી દેવું છે અને આઇડિયાએ તાજેતરમાં ભારત સરકારને પોતાનો હિસ્સો આપી દેવાની ઓફર કરી હતી.

હિમાંશુ કમાણિયા હાલમાં વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. કપાણિયા વોડાફોન આઈડિયાના બોર્ડમાં આદિત્ય બિરલા ગ્રુપના નોમિની છે. ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. કંપનીએ સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલીનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.