(Photo by AFP/AFP via Getty Images)

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે જાહેરાત કરી હતી કે બોલિવૂડની પીઢ અભિનેત્રી વહીદા રહેમાનનું 2021 માટેના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન થશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ દેશનું સર્વોચ્ચ ફિલ્મ સન્માન છે અને સરકાર દ્વારા આપવામાં આવે છે.

ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી અને ભવ્ય કલાકારોમાંના એક ગણાતા 85 વર્ષના વહીદા રહેમાન ગાઈડ, પ્યાસા, કાગઝ કે ફૂલ જેવી ફિલ્મોમાં તેમના અભિનય માટે લોકપ્રિય બન્યાં હતા. અગાઉ તેમનું પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડથી સન્માન થયું હતું.

એક્સ (ટ્વીટર) પરની એક પોસ્ટમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે “ભારતીય સિનેમામાં તેમના અદભૂત યોગદાન માટે વહીદા રહેમાનજીને આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી નવાજવામાં આવી રહ્યા છે તે ઘોષણા કરતાં હું ખૂબ જ આનંદ અને સન્માનની લાગણી અનુભવું છું. તેમણે ભારતીય સિનેમાં 5 દાયકાથી સુધી યોગદાન આપ્યું હતું. રેશ્મા ઔર શેરા ફિલ્મમાં તેમની ભૂમિકા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે. પહેલો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 1969માં અભિનેત્રી દેવિકા રાણીને અપાયો હતો. આ પછી સુલોચના, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર અને આશા ભોંસલેને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 2020માં આ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો.

વહીદા રહેમાને તેની 57 વર્ષની કારકિર્દીમાં લગભગ 90 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1955માં તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઈ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી બોલિવૂડમાં ‘પ્યાસા’, ‘ગાઈડ’, ‘કાગઝ કે ફૂલ’, ‘ચૌદવી કા ચાંદ’, ‘સાહેબ બીવી ઔર ગુલામ’, ‘ખામોશી’, ‘કભી કભી’, ‘લમ્હે’, ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી 6’ જેવી ફિલ્મો આપી હતી.
વહીદાએ ગાઈડ (1965) અને નીલ કમલ (1968) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. ‘રેશ્મા ઔર શેરા’ (1971) માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

16 + 5 =