બ્રિટનના વસાહતી અને ગુલામોના વેપારના ઇતિહાસની વેલ્સ સરકારની સત્તાવાર સમીક્ષા પછી વેલ્સના કાર્ડીફમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાના ભાવિ પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.

‘સ્લેવ ટ્રેડ એન્ડ બ્રિટીશ એમ્પાયર: ઑડિટ ઑફ કૉમેમોરેશન ઇન વેલ્સ’ અહેવાલમાં બ્રિટનના યુદ્ધ સમયના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને રોબર્ટ ક્લાઇવની પ્રતિમાને શોર્ટલીસ્ટ કરાઇ છે. ભારતમાં બ્રિટનની સંસ્થાનવાદી સ્થાપનામાં તેમની ભૂમિકા માટે રોબર્ટ ક્લાઇવને ‘ક્લાઇવ ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે.

ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા ગાંધીજીની 148મી જન્મજયંતિ નિમિત્તે કાર્ડિફ બે ખાતે ગાંધીજીનું કાંસ્ય શિલ્પ સ્થાપવામાં આવ્યું હતું. આ ઑડિટમાં, ગાંધીજીને રસ ધરાવતા લોકોની કેટેગરી E હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. BLM કેમ્પાઇનર્સ દ્વારા તેમને પણ રેસીસ્ટ જાહેર કરાયા બાદ તેમના અંગે પણ તપાસ થશે.”

1896માં કરેલા એક ભાષણમાં ગાંધીજીએ ટિપ્પણી કરી હતી કે શ્વેત લોકો હિન્દુઓ અને મુસ્લિમોને ‘કાફીરના સ્તરે’ અપમાનિત કરી રહ્યા છે. તેમના આ નિવેદનને એવી રીતે લેવામાં આવે છે કે તેઓ માને છે કે બ્લેક આફ્રિકન્સ લોકો કરતા ભારતીય વધુ સારા છે. ગાંધીજી પર આરોપ છે કે ગાંધીજીએ આફ્રિકન્સ વિરુદ્ધ આચરવામાં આવેલી નિર્દયતા અંગે આંખ મીંચામણા કર્યા હતા. જો કે તેમ છતાં, ગાંધીજીએ ભારતમાં કરેલા નેતૃત્વથી નેલ્સન મંડેલા સહિત આફ્રિકાના અન્ય નેતાઓને પ્રેરણા મળી હતી. 1993માં ડેસમંડ ટુટુ દ્વારા પીટરમેરિટ્ઝબર્ગમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

યુકેમાં કાર્ડીફ ઉપરાંત મુખ્યત્વે લેસ્ટર અને માન્ચેસ્ટરમાં ગાંધીજીના શિલ્પો સામે કેટલાક ઑનલાઇન અભિયાનને પગલે પ્રતિમાની તરફેણમાં પણ વ્યાપક પ્રતિ-ઝુંબેશ શરૂ થઈ છે. લેસ્ટરના મેયર તરીકે આ વર્ષની શરૂઆતમાં શહેરની ગાંધી પ્રતિમાનું રક્ષણ કરવાનું વચન આપનાર પીટર સોલસ્બીએ જણાવ્યું હતું કે, “તે ખૂબ જ ગૌરવની વાત છે કે અમારૂ શહેર દાતાઓના ઉદાર સમર્થનથી બાપુના જીવનને ઉજવવા માટે સક્ષમ બન્યું હતું, જેઓ આધુનિક ભારતના નિર્માણમાં ખૂબ પ્રેરણાદાયક હતા.”

ચર્ચિલ પણ કેટેગરી ઇ હેઠળ આવે છે અને તેમના પર 1943ના બંગાળના દુકાળને દૂર કરવામાં પૂરતી કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.” વેલ્સમાં રોબર્ટ ક્લાઇવના નામ પરથી શેરીનું નામ રાખવામાં આવ્યું છે અને તેમનું નામ કેટેગરી એ હેઠળ આવે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1621થી 1843 સુધી ગુલામોના વેપારમાં ભાગ લીધો હોત અને રોબર્ટ ક્લાઇવે જુનિયર કર્મચારી તરીકે 1744માં પોતાના કામનો પ્રારંભ કર્યો હતો. તેમણે ભારતમાં લશ્કરી અભિયાનોનો આદેશ આપ્યો હતો અને 1767 સુધીમાં કંપનીના ગવર્નર જનરલ બન્યા હતા.

વિશ્વવ્યાપી બ્લેક લાઇવ્સ મેટરના વિરોધ પ્રદર્શનના પગલે આ વર્ષે જુલાઈમાં વેલ્સ સરકાર દ્વારા ઑડિટ શરૂ કરવામાં આવ્યું હતું.