યુકેમાં પોસ્ટની ડિલીવરી કરવામાં લાંબો સમય થતો હોવાથી કથળેલી સર્વિસના અહેવાલો પછી રોયલ મેઇલ તપાસનો સામનો કરી રહી છે. સત્તાધિશોના જણાવ્યા મુજબ, તેઓ આ પરિસ્થિતિથી ‘ચિંતિત’ છે, સર્વિસ અપડેટ્સ દર્શાવે છે કે, આ અઠવાડિયે એક સમયે સમગ્ર દેશમાં લગભગ 80 પોસ્ટકોડને પોસ્ટ સ્વીકારવામાં લાંબા વિલંબનો અનુભવ થયો હતો.
જે વિસ્તારોને અસર થઇ છે તેમાં લંડનનો નોંધપાત્ર હિસ્સો અને માન્ચેસ્ટર, હર્ટફોર્ડશાયર, વેલ્સ અને સ્કોટલેન્ડના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે, જોકે પોસ્ટમાં વિલંબની મુશ્કેલી મોટાભાગે તમામ વિસ્તારોમાં જોવા મળી છે.
કેટલાક ગ્રાહકોએ જણાવ્યું હતું કે, ડિસેમ્બરના મધ્યમાં પોસ્ટ કરેલા ક્રિસમસ કાર્ડ્સ હમણાં જ મળ્યા છે.
પોસ્ટ પહોંચવામાં થઇ રહેલા આ વિલંબ અંગે રોયલ મેઇલે ગ્રાહકોની માફી માગી છે, અને માટે ‘સ્થાનિક પરિબળો’ અને સોર્ટિંગ ઓફિસમાં કર્મચારીઓની ગેરહાજરી, તેમ જ કોવિડને કારણે ઘણા પોસ્ટમેન અને મહિલા કર્મચારીઓ આઇસોલેટ રહેતા હોવાથી તેવા વિક્ષેપને જવાબદાર ઠેરવ્યો છે.
જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં 15 હજાર જેટલા એટલે કે દર સાતમાંથી એક પોસ્ટલ સર્વિસના કર્મચારીઓ ગેરહાજર હતા, ગત અઠવાડિયા સુધી 13 હજાર જેટલા કર્મચારીઓ ગેરહાજર હતા.
આ સ્થિતિ કોવિડ ટેસ્ટની માગ વધી છે ત્યારે બહાર આવી છે, જેની ડિલીવરી માટે રોયલ મેઇલ જવાબદાર છે, જે માટે સરકાર અંતર્ગત સેંકડો મિલિયન્સ પાઉન્ડના કોન્ટ્રાક્ટ થયા છે.
રોયલ મેઇલનું સંચાલન ઓફકોમ દ્વારા કરવામાં આવે છે, તેણે જણાવ્યું હતું કે, તેઓ આ વિલંબથી ‘ચિંતિત’ છે અને તેમણે રોયલ મેઇલને તેની કામગીરી સુધારવા માટે પગલાં લેવા જણાવ્યું છે.
ઓફકોમ પાસે નબળી કામગીરી માટે નોંધપાત્ર દંડ ફટકારવાની સત્તા છે અને ઓફકોમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ પરિસ્થિતિનું ‘બારીકાઇથી નિરીક્ષણ’ કરી રહ્યા છે.
કેટલાક નિશ્ચિત લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જવા બદલ ઓફકોમે વર્ષ 2020માં રોયલ મેઇલને 1.5 મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કાયદાના ભંગ બદલ બે વર્ષ અગાઉ 50 મિલિયન પાઉન્ડનો દંડ કર્યો હતો.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં રોયલ મેઇલની કામગીરીની સમીક્ષા કરવાની તૈયારી કરી રહ્યા છીએ, અને જો યોગ્ય લાગશે તો અમે જ્યાં જરૂર પડશે ત્યાં પગલાં લેવામાં અચકાઇશું નહીં.
શેડો મિનિસ્ટર અને ક્રોયડનનાં સાંસદ સારા જોન્સે જણાવ્યું હતું કે, તેમણે મતદારોની ફરિયાદો મળ્યા પછી રોયલ મેઇલને વર્તમાન પરિસ્થિતિની તપાસ કરવા જણાવ્યું હતું.