ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ મંગળવાર સવાર સુધીમાં 162.26 કરોડના આંકડાને પાર કરી ગયું છે. ભારતમાં મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,68,04,145 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,43,495 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 93.07 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના દૈનિક 3,06,064 નવા કેસ નોંધાયા છે. જ્યારે સક્રિય કેસનું ભારણ 22,49,335 છે, જે દેશના કુલ પોઝિટિવ કેસોના 5.69 ટકા છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,74,753 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 71.69 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર અત્યારે 17.03 ટકા છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર મંગળવારે 20.75 ટકા નોંધાયો છે.