ડાબેથી જમણે: ઈશ્વરકુમાર વિસુવનાથન, પ્રશાંત એલાંગોવન, રાજેન વેન્કટાસ્વામી અને સેન્ટુરાન સત્યબાલાસિંગમ

વૉટફર્ડના વુડસાઇડ પ્લેઇંગ ફિલ્ડની ભૂતપૂર્વ બૉલ્સ ક્લબ ખાતે આવેલા વોટફર્ડના એક માત્ર હિન્દ મંદિર વેલ મુરુગન મંદિરને બચાવવા માટે 13,379થી વધુ લોકોએ સહી ઝુંબેશને ટેકો આપતાં બંધ થવાની કગાર પર આવી ગયેલા મંદિરને વોટફર્ડ કાઉન્સિલ તરફથી 3 જાન્યુઆરી, 2022 સુધીનું ટૂંકા ગાળાનું લીઝ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ અગાઉ આ મંદિરને 17 સપ્ટેમ્બર સુધીમાં ઇમારત ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી હતી.

માનવામાં આવે છે કે આ સાઇટ પર સ્પોર્ટ્સ વિલેજ બનાવવાની કાઉન્સિલની યોજના હોવાથી આ મંદિરને વોટફોર્ડ બરો કાઉન્સિલ દ્વારા બંધ કરવામાં આવી શકે તેમ છે.

મંદિરના પ્રવક્તા અને મેરિડેન વોર્ડ માટેના કન્ઝર્વેટિવ પક્ષના કાઉન્સિલના ઉમેદવાર પ્રશાંત એલાગોવને ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’મેયર (પીટર) ટેલરે લીઝનું એક્સ્ટેન્શન કરવાનો નિર્ણય લેતા મંદિરના ટ્રસ્ટીઓ અને બહોળો હિન્દુ સમુદાય આનંદિત છે પણ અમને ડર છે કે તે મંદિરને બચાવવાને બદલે બંધ થવામાં થોડુ મોડુ થશે. જો કે, કાઉન્સિલે માત્ર 3 જાન્યુઆરી 2022 સુધી ટૂંકા ગાળાની લીઝ ઓફર કરી છે. હું મંદિરને બંધ થતું બચાવવા માટે ટેકો આપનાર, પિટિશન પર હસ્તાક્ષર કરનારાઓ અથવા મેયરને વ્યક્તિગત રીતે પત્ર લખનાર તમામનો આભાર માનું છું. મને આશા છે કે મેયર ટેલર મંદિર માટે કાયમી સ્થાન શોધવામાં અર્થપૂર્ણ મદદ તથા લઘુમતી હિન્દુ સમુદાયને ટેકો આપશે.”

શ્રી એલાગોવને જણાવ્યું હતું કે ‘’હાલમાં મંદિરના સોલિસિટર લીઝ કરાર જોઇ રહ્યા છે અને વોટફોર્ડ બરો કાઉન્સિલ સાથે લીઝ કરાર પર હસ્તાક્ષર કરવાની સમયસીમા શુક્રવાર, તા. 24 સપ્ટેમ્બર 2021 સુધી વધારવા સંમત થયા છે. આ લીઝ કરાર વર્તમાન સ્થળે રહેવાની મુદત 2 જાન્યુઆરી, 2022 સુધી લંબાવશે. મેયર પીટર ટેલર મંદિરના ટ્રસ્ટીઓ સાથે લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ સંભવિત સ્થળાંતરની ચર્ચા કરવા માટે વધુ બેઠકો યોજવા સંમત થયા છે.’’

શ્રી એલાગોવને જણાવ્યું હતું કે ‘’વોટફર્ડમાં આ એક માત્ર હિન્દુ મંદિર છે અને ખાસ કરીને કાર ન ચલાવી શકતા વૃધ્ધો અને વડિલો માટે બસમાં જઇ શકાય અને નજીક હોય તેવું મંદિર જરૂરી છે. હરે કૃષ્ણ મંદિર સેન્ટ્રલ વોટફર્ડથી કારમાં 20 મિનિટના અને અન્ય મંદિરો 45 મિનિટના અંતરે આવેલા છે. આવા સમયે સ્થાનિક મંદિર હોય તે જરૂરી છે. કાઉન્સિલે નોટીસ આપીને સીધું જ સામાન ખસેડી લો અને લોક બદલી નાંખીશુ તેવો પત્ર લખતા સ્થાનિક હિન્દુઓના દિલને ખૂબજ ઠેસ પહોંચી હતી.’’

મેયરે અગાઉ વોટફર્ડ ઓબ્ઝર્વરને કહ્યું હતું કે ‘’મંદિર બચાવવાનું આ જાહેર અભિયાન રાજકીય હતું અને તેઓ ઉકેલ લાવવા માટે વેલ મુરુગન ટ્રસ્ટ સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લીઝનું વિસ્તરણ યોગ્ય ચર્ચાઓ માટે સમય આપશે.’’

શ્રી એલાગોવને જણાવ્યું હતું કે ‘’હું કોન્ઝર્વેટીવ પાર્ટીનો કાઉન્સિલર માટેનો ઉમેદવાર હોવાથી મેયર ટેલરે આખા પ્રશ્નને રાજકીય રંગ આપ્યો છે. હું માત્ર મંદિરનો નિયમિત દર્શનાર્થી છું અને

તેનો પ્રવક્તા હોવાથી  પ્રશન રાજકીય બની જતો નથી. મેયરે જનતાના દબાણના કારણે  સમય મર્યાદા વધારી છે અને અમે તેનું કાયમી નિરાકરણ ઇચ્છીએ છીએ.’’

અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર મૂળ એક્સચેન્જ રોડ પર હતું પરંતુ અસ્થાયી રૂપે વુડસાઇડ પ્લેઇંગ ફિલ્ડ્સમાં તેને ખસેડવામાં આવ્યું હતું.

લોર્ડ રેમી રેન્જર, વૉટફર્ડના એમપી ડીન રસેલ, ભૂતપૂર્વ મપી કૂથ વાઝ પણ  મંદિરને સમર્થન પી ચૂક્યા છે અને મેયરને પત્ર લખીના આ અંગે ઘટાં પગલાં ભરવા અપીલ કરી છે.