લેસ્ટરમાં £38,000ના એ-ક્લાસ ડ્રગ્સ કોકેઇનનો જથ્થો શહેરમાં ઘુસાડતી વખતે પકડાયેલા ફિઝાન ખાનને ક્લાસ એ ડ્રગ્સ સપ્લાય કરવાના કાવતરા બદલ લુટન ક્રાઉન કોર્ટમાં જ્યુરીએ દોષિત ઠેરવ્યો હતો.

અગાઉ, કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ખાને ગયા વર્ષે તા. 3 મેના રોજ લુટનમાંથી 1 કિલો કોકેઈન ખરીદ્યું હતું અને કલાકોમાં જ તેની સાથે તે લેસ્ટર તરફ લઈ ગયો હતો. 25 વર્ષીય ખાન ડ્રગ સપ્લાય કરવાના ષડયંત્રનો એક ભાગ હતો અને તેણે અને તેના સહયોગીઓએ એન્ક્રિપ્ટેડ એન્ક્રોચેટ ફોનનો આ માટે ઉપયોગ કર્યો હતો. તેઓ માનતા હતા કે તેમની વચ્ચે કરાયેલા સંદેશાઓ અને સંદેશાવ્યવહાર અધિકારીઓ દ્વારા ક્યારેય જોવામાં આવશે નહીં. વિશ્વભરમાં ગુનેગારો આ સીસ્ટમને સંપૂર્ણપણે સલામત માનતા હતા.

જો કે, ગયા વર્ષે ફ્રેન્ચ પોલીસ નેટવર્કને હેક કરવામાં સફળ થતાં વિશ્વભરમાં ગુનેગારો દ્વારા મોકલવામાં આવેલા હજારો સંદેશાઓ રીકવર થયા હતા. યુકેનો ડેટા નેશનલ ક્રાઇમ એજન્સીને મોકલવામાં આવતા તેને સંખ્યાબંધ પોલીસ દળો સાથે શેર કરાયો હતો. જેને પગલે બેડફર્ડશાયર પોલીસ ડિટેક્ટીવ્સ પુરાવા એકત્રિત કરવામાં સફળ થઇ હતી. ખાન પણ એન્ક્રોચેટ ફોન વાપરતો હતો અને તેણે પોતાનું નામ “ટ્રસ્ટલોર્ડ” રાખ્યું હતું.

ગયા વર્ષના એપ્રિલમાં ખાન એક કિલો કોકેઈન ખરીદવાની ચર્ચા કરી તે ડ્રગને લેસ્ટર સુધી લઇ જવાની યોજના બનાવી હતી. તે સાંજે તેની કાર પોલીસના એએનપીઆર કેમેરામાં કેદ થઇ હતી. જે પછી પોલીસે ગયા વર્ષે 18 જૂને ખાનના બીચવૂડ રોડ, લુટનના ઘરે ગઇ હતી અને તેની ધરપકડ કરી હતી.