Getty Images)

અમેરિકન એડમિનિસ્ટ્રેશનના એક વરિષ્ઠ અધિકારીએ ભારતને તમામ ધર્મો માટે ઐતિહાસિકરૂપે ખૂબ જ સહિષ્ણુ, સન્માનપૂર્વક દેશ દર્શાવીને કહ્યું હતું કે, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના સંદર્ભે જે કંઇ થઇ રહ્યું છે તે બાબતે અમેરિકા ખૂબ ચિંતિત છે.

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના એમ્બેસેડર સેમ્યુઅલનું બ્રાઉનબેકનું આ નિવેદન બુધવારે ‘2019 આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રીપોર્ટ’ના જાહેર થયા પછી આવ્યું છે. વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ દ્વારા જાહેર થયેલા આ રીપોર્ટમાં વિશ્વભરમાં ધાર્મિક આઝાદીના ઉલ્લંઘનની મુખ્ય ઘટનાઓનો ઉલ્લેખ થયો છે. ભારતે આ રીપોર્ટ ફગાવતા જણાવ્યું છે કે, કોઇ પણ વિદેશી સરકારને તેના નાગરિકોના બંધારણીય અધિકારોની સ્થિતિ પર નિર્ણય કરવાનો કોઇ અધિકાર નથી.

વિદેશી પત્રકારો સાથે ફોન પર થયેલી ચર્ચામાં બ્રાઉનબેકે જણાવ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જેણે ચાર મોટા ધર્મોને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘ભારતમાં જે કંઇ પણ થઇ રહ્યું છે, તેનાથી અમે ચિંતિત છીએ. ભારતમાં જે થઇ રહ્યું છે તે ખૂબ સમસ્યારૂપ છે, કારણ કે તે ખૂબ જ ધાર્મિક ઉપમહાખંડ છે અને ત્યાં વધુ સાંપ્રદાયિક હિંસા જોવા મળે છે. હું આશા રાખું છું કે, ભારતમાં ખૂબ જ ઉંચા સ્તરે આંતર ધાર્મિંક સંવાદ શરૂ થવો જોઇએ અને પછી ખાસ મુદ્દાઓનું નિવારણ કરવું જોઇએ. ભારતમાં આ અંગે વધુ પ્રયાસોની જરૂર છે અને મારી એ પણ ચિંતા છે કે, જો આવા પ્રયત્નો નહીં થાય તો હિંસા વધી શકે છે.

એક પ્રશ્નના ઉત્તરમાં બ્રાઉનબેકે આશા વ્યક્ત કરી કે, કોવિડ-19ના ફેલાવા માટે લઘુમતી ધર્મોને જવાબદાર ઠેરવવા જોઇએ નહીં અને તેમને સંકટ સમયે જરૂરીયાત મુજબ આરોગ્યની સુવિધા, ભોજન અને દવાઓ ઉપલબ્ધ કરાવવી જોઇએ. આ રીપોર્ટ અંગે ભારતે જણાવ્યું હતું કે, ભારતને સૌથી મોટી લોકશાહી અને સહિષ્ણુતા અને સમાવેશકતાની દીર્ધકાલીન પ્રતિબદ્ધતા સાથે બહુલક સમાજ હોવાના લીધે પોતાની ધર્મનિરપેક્ષતા, પોતાની સ્થિતિ પર ગર્વ છે.

રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના આંકડા મુજબ વર્ષ 2008થી 2017 દરમિયાન સાંપ્રદાયિક હિંસાની 7484 ઘટનાઓ ઘટી, જેમાં 1100થી વધુ લોકોના મોત થયા હતા. ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન ક્રિશ્ચન ઓર્ગેનાઇઝેશન્સે એક નિવેદનમાં આ રીપોર્ટને આવકાર્યો છે.