(ANI Photo)

ભારતના સંરક્ષણ પ્રધાન (ડીફેન્સ મિનિસ્ટર) રાજનાથ સિંઘે ગયા સપ્તાહે એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચિતમાં કરેલા નિવેદનના પગલે ભારતના ઈશારે વિદેશોમાં ટાર્ગેટ કિલિંગ્સ (ઈચ્છિત લોકોની હત્યાઓ) થઈ રહી હોવાનો વિવાદ ફરી ચગ્યો છે. ખાસ કરીને ભારતમાં લોકસભાની ચૂંટણીઓનું પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે એવા સમયે મીડિયામાં ચમકેલા સમાચારો અને તેના સંદર્ભમાં દેશના સંરક્ષણ પ્રધાન અને ભાજપના એક અતિ વરિષ્ઠ નેતાએ કરેલા આવા નિવેદન અને પાકિસ્તાને આપેલા તેના પ્રતિભાવથી માહોલમાં ઉત્તેજના ફેલાઈ છે.

આ મુદ્દો યુકેના એક અખબાર, ‘ધી ગાર્ડિયન’ માં પ્રકાશિત એક અહેવાલના પગલે ચર્ચાસ્પદ બન્યો હતો. થોડા મહિનાઓ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ કેનેડાના એક નાગરિક અને ભારત સરકારે ત્રાસવાદી જાહેર કરેલા શીખ નેતાની ભારત સરકારના ઈશારે કેનેડામાં હત્યા કરાયાનો આક્ષેપ કર્યા પછી ભારત – કેનેડા વચ્ચેના સંબંધોમાં તંગદિલી વ્યાપી છે. એના થોડા સમય પછી અમેરિકાએ પણ એવું કહ્યું હતું કે, શીખ અલગતાવાદી નેતા અને અમેરિકન તેમજ કેનેડિયન નાગરિકત્વ ધરાવતા ગુરપતવંત સિંઘ પન્નુનની હત્યાનો અમેરિકામાં પ્રયાસ થયો હતો, તેમાં પણ કથિત રીતે ભારત સરકારનો હાથ હોવાના સાંયોગિક પુરાવા અમેરિકાની તપાસ એજન્સીઝને મળ્યા હતા. અમેરિકાના આક્ષેપનો ભારતે તદ્દન સૌમ્ય રીતે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તે આ મુદ્દે તપાસ કરશે.

આ સંજોગોમાં છેલ્લા એક વર્ષ કે તેની આસપાસના સમયગાળામાં પાકિસ્તાનમાં પણ ભારતના કેટલાક વોન્ટેડ ત્રાસવાદીઓના મોત નિપજયાના કે હત્યા થયાના અહેવાલો મીડિયામાં ચમકતા રહ્યા હતા. પ્રારંભિક તબક્કે તો પાકિસ્તાન સરકારે એ બાબતે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો.

બ્રિટિશ અખબારના અહેવાલમાં ભારત સરકાર તેની ગુપ્તચર એજન્સીના સ્ત્રોતોનો ઉપયોગ કરી આ રીતે વિદેશોમાં ટાર્ગેટ કિલિંગ્સ કરાવતી હોવાની વાતને ગુપ્તચર સૂત્રોનું કથિત સમર્થન મળતું હોવાનું ચર્ચાયું હતું. એ અહેવાલમાં તો એવું પણ ચર્ચાયું હતું કે, 2020 પછી આ રીતે ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 20 કથિત ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. એ સંદર્ભમાં રાજનાથ સિંહને ગયા સપ્તાહે એક ન્યૂઝ ચેનલે પ્રશ્ન પૂછતાં રાજનાથ સિંહે એવું કહ્યું હતું કે, આજનું ભારત જુદું છે. હવે કોઈ ત્રાસવાદી ભારતમાં હિંસાખોરી કે ભાંગફોડિયા કૃત્યો આચરી પાકિસ્તાન નાસી જતા જણાશે તો ભારતની પોલીસ કે સુરક્ષા દળો તેનો પીછો કરતા પાકિસ્તાનમાં ઘૂસી જઈને પણ આવા ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવશે, એમાં તેમને સ્હેજે ખચકાટ નહીં થાય.

આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઈટર્સે આ વિષે પૂછતાં ભારતના વિદેશ મંત્રાલયે તેનો કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો, તો પાકિસ્તાની વિદેશ મંત્રાલયે તે વિષે કોઈ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. 2019માં કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના એક કાફલા ઉપર આપઘાતી બોમ્બર ત્રાટક્યો હતો અને એ હુમલાનું પગેરૂં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓ સુધી પહોંચ્યાનું જણાતા ભારતે ત્રાસવાદીઓની છાવણીઓ ઉપર હવાઈ હુમલા પણ કર્યા હતા.

પાકિસ્તાને પણ આ વર્ષના આરંભે એવું કહ્યું હતું કે, તેના બે નાગરિકોની હત્યામાં ભારતીય એજન્ટ્સના હાથ હોવાના આધારભૂત પુરાવા તેની પાસે છે. ભારતે પાકિસ્તાનના એ દાવાને ખોટો અને બદઈરાદાપૂર્વકનો પ્રચાર ગણાવ્યો હતો.
પાકિસ્તાને પણ ગયા સપ્તાહે શનિવારે એવું કહ્યું હતું કે, તે પોતાની પ્રાદેશિક અખંડીતતાનું રક્ષણ કરવા સંપૂર્ણપણે સક્ષમ છે મક્કમ પણ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય નેતાઓની ટીકા કરતાં જણાવ્યું હતું કે, તેઓ રાજકીય લાભ માટે ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે. વિશ્વ સમુદાયે આની નોંધ લેવી જોઈએ એમ પણ પાકિસ્તાને જણાવ્યું હતું.

LEAVE A REPLY

8 + 17 =