ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ cnsphoto via REUTERS

માલદીવ અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલે છે ત્યારે ચીને શેખી મારતા જણાવ્યું હતું કે તે માલદીવની આંતરિક બાબતોમાં બાહ્ય હસ્તક્ષેપનો સખત વિરોધ કરે છે તથા સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા જાળવી રાખવામાં ટાપુ રાષ્ટ્રને સમર્થન આપે છે.

ભારત વિરોધી વલણ ધરાવતા માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુએ ચીનની મુલાકાતે ગયા હતાં. ચીનના ટોચના નેતાઓ સાથે મુઈઝુની વાટાઘાટોના અંતે જારી કરાયેલ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો એકબીજાના મુખ્ય હિતોની સુરક્ષામાં એકબીજાને મજબૂતપણે સમર્થન આપવા માટે સંમત થયા છે. ચીન રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવને જાળવી રાખવામાં માલદીવને નિશ્ચિતપણે સમર્થન આપે છે. તે રાષ્ટ્રીય પરિસ્થિતિઓને અનુરૂપ વિકાસના માર્ગની અપનાવવામાં પણ માલદીવને સમર્થન આપે છે તથા માલદીવની આંતરિક બાબતોમાં બાહ્ય હસ્તક્ષેપનો સખત વિરોધ કરે છે.

ચીનની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે 8 જાન્યુઆરીએ ચીન પહોંચેલા મુઈઝુએ ગુરુવારે ચીનના વડા પ્રધાન લી ક્વિઆંગ સાથે મુલાકાત કરી હતી અને ચીનથી પ્રવાસીઓની સંખ્યા વધારવાની રીતો પર ચર્ચાવિચારણા કરી હતી. આ ઉપરાંત માલદિવમાં ચીનના સંખ્યાબંધ નવા પ્રોજેક્ટ્સના અમલીકરણની પણ મંત્રણા કરી હતી.

માલદીવના પ્રેસિડન્ટને ચીન તરફી નેતા ગણવામાં આવે છે. તાજેતરમાં માલદીવના ત્રણ મંત્રીઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અપમાનજનક નિવેદનો કર્યા હતા અને તેનાથી ભારત-માલદીવ વચ્ચે વિવાદ ઊભો થયો હતો.

 

LEAVE A REPLY

five × 2 =