(ANI Photo)

ઇસરોએ શ્રીહરિકોટાથી શનિવારે દેશના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-વને સફળતાપૂર્વક લોન્ચ કરીને એક વધુ સીમાચિહ્ન હાંસલ કર્યો હતો. લોન્ચિંગ સાથે આદિત્ય એલ-વનની પૃથ્વીના સૌથી નજીકના તારા સૂર્ય તરફની 125 દિવસની સફરનો પ્રારંભ થયો હતો. ઇસરોએ જણાવ્યું હતું કે આદિત્ય-L1 ન તો સૂર્ય પર ઉતરશે અને ન તો તેની નજીક પહોંચશે, પરંતુ દૂરથી અવલોકન કરશે.

એમસીસીથી ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે અભિનંદન! આદિત્ય-L1 અવકાશયાનને સંપૂર્ણ ચોક્સાઇ સાથે 235/19,500 કિ.મી.ની વર્તુળાકાર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ એક ખૂબ જ અનોખો મિશન મોડ છે. હવેથી આદિત્ય L1 તેની સફર ચાલુ કરશે…પૃથ્વીની કેટલીક ભ્રમણકક્ષા વટાવીને તે L1 પોઈન્ટ (પાર્કિંગ એરિયા) પર પહોંચશે, જે લગભગ 125 દિવસની ખૂબ લાંબી સફર છે.

આ અવકાશયાન 125 દિવસમાં પૃથ્વીથી લગભગ 15 લાખ કિમીની મુસાફરી કર્યા પછી, સૂર્યની સૌથી નજીક ગણાતા લેગ્રાંગિયન પોઇન્ટ L1ની આસપાસ ભ્રમણકક્ષામાં પહોંચવાની અપેક્ષા છે.

આદિત્ય એલ-વનનું વજન આશરે 1,480.8 કિગ્રા છે. તે 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે. આ સમયગાળામાં તે પૃથ્વીની પાંચ ભ્રમણકક્ષા પાર કરીને સૂર્ય તરફની સફર ચાલુ કરવા માટે ખૂબ જ જરૂરી વેગ પ્રાપ્ત કરશે.

મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજીએ જણાવ્યું હતું કે આદિત્ય L1 ટીમ માટે એક સ્વપ્ન સાકાર થયું હતું. હું ખૂબ જ ખુશ છું કે આદિત્ય L1 ને PSLV દ્વારા હંમેશાની જેમ ચોક્કસ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આદિત્ય L1 સોલર પેનલ્સ તૈનાત કરવામાં આવી છે અને તે એક સામાન્ય છે. એકવાર આદિત્ય L1 કાર્યરત થઈ ગયા પછી તે દેશના હેલિયોફિઝિક્સ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે પણ એક સંપત્તિ બની રહેશે.

આ અવકાશયાન પાંચ વર્ષ સુધી કાર્યરત રહેશે. L1 પોઈન્ટ પર વ્યૂહાત્મક પ્લેસમેન્ટ પછી તે સૂર્યનું સતત, અવિરત નિરીક્ષણ કરી શકશે. આદિત્ય-એલ1 પૃથ્વીથી આશરે 15 લાખ  કિમી દૂર રહેશે, જે પૃથ્વી-સૂર્ય વચ્ચેના અંતરના લગભગ 1 ટકા થાય છે.

અવકાશનયાનમાં અભ્યાસ હાથ ધરવા માટે સાત વૈજ્ઞાનિક પેલોડ મૂકવામાં આવે છે. તેમાં સોલાર કોરોના અને ડાયનેમિક્સ ઓફ કોરોનલ માસ ઇન્જેક્શન (એસીએમઇ) ઉપકરણ છે, જે વિશ્લેષણ માટે ગ્રાઉન્ડ સ્ટેશન પર દરરોજ 1,440 ઇમેજ મોકલશે. સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ પેલોડ ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની ઇમેજ મોકલશે. તે સૌર વિકિરણ ભિન્નતાને પણ માપે છે. આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ (ASPEX) અને આદિત્ય (PAPA) પેલોડ્સ માટે પ્લાઝ્મા એનેલાઇઝર પેકેજ સૌર પવન અને એનર્જેનિક આયન તેમજ ઊર્જા વિતરણનો અભ્યાસ કરશે.

આ અવકાશન વૈજ્ઞાનિક પ્રયોગો માટે સૂર્યની ઇમેજિસ મોકલશે. સૂર્ય ગેસનો એક વિશાળ ગોળો છે અને આદિત્ય-L1 તેના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ1 મિશનના ઉદ્દેશ્યોમાં કોરોનલ હીટિંગ, સોલાર વિન્ડ એક્સિલરેશન, કોરોનલ માસ ઇજેક્શન્સ (CME), સૌર વાતાવરણની ગતિશીલતા અને તાપમાન એનિસોટ્રોપીનો અભ્યાસ સામેલ છે. તેમાં સામેલ કરાયેલા પેલોડ ગ્રાઉન્ડ સ્ટેશન પર દરરોજ 1,440 ઇમેજ મોકલશે. સૂર્ય સૌથી નજીકનો તારો છે અને તેથી અન્ય ગ્રહની તુલનામાં તેનો વધુ વિગતવાર અભ્યાસ કરી શકાય છે. સૂર્યનો અભ્યાસ કરીને આકાશગંગા તેમજ અન્ય વિવિધ તારામંડળના તારાઓ વિશે ઘણું શીખી શકાય છે.

 

LEAVE A REPLY

20 − 8 =