વ્હાઉટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકી (ફાઇલ ફોટો) REUTERS/Kevin Lamarque

અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ તાજેતરમાં પોતાના ભારતીય અમેરિકી આસિસ્ટન્ટ વેદાંત પટેલની પ્રશંસા કરતા કહ્યું કે, ‘તેઓ ખૂબ પ્રતિભાશાળી છે. આગામી સમયમાં સરકારમાં તેમની કારકિર્દી ખૂબ આશાસ્પદ લાગે છે. વેદાંતનો જન્મ ગુજરાતમાં થયો હતો અને તેમનો ઉછેર કેલિફોર્નિયામાં થયો છે.

સાકીએ કહ્યું કે, હું ઘણીવાર તેમની(વેદાંત પટેલ) સાથે મજાક કરું છું કે અમે તેમને સરળ અસાઈમેન્ટ આપીએ છીએ. પરંતુ વાસ્તવમાં કામ એટલા માટે સરળ થઈ જાય છે કારણ કે એ સુપર ટેલેન્ટેડ છે. સાકીએ કરેલા વખાણ બાદ વેદાંત પટેલની આખી દુનિયામાં ચર્ચા થવા માંડી છે.

જેન સાકીએ એમ પણ કહ્યું કે, વેદાંત એક સુંદર લેખક છે અને ખૂબ ઝડપથી લખે છે. મને લાગે છે કે ભવિષ્યમાં સરકારમાં તેમની કારકિર્દી ઘણી ઉજ્જવળ છે. તેમણે એમ પણ કહ્યું કે, એ મારી મદદ કરવા માટે ઘણું બધુ કરે છે, એ અમારા સૌની સાથે પ્રેસિડન્ટને મદદ કરે છે. અહીંયા નોંધવું રહ્યું કે, જો બાઈડને જે દિવસે વ્હાઇટ હાઉસમાં કામકાજ સંભાળ્યું હતું, એ જ દિવસથી વેદાંત પટેલ વ્હાઇટ હાઉસમાં આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી તરીકે કામકાજ કરી રહ્યા છે. વેદાંત પટેલ અમેરિકાની કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. ફ્લોરિડા યુનિવર્સિટીની વોરિંગ્ટન કોલેજ ઓફ બિઝનેસથી એમબીએ કર્યું છે. 32 વર્ષીય વેદાંત પટેલ વ્હાઈટ હાઉસમાં પત્રકારો વચ્ચેની ખૂબ લોકપ્રિય છે.