President Biden to sign gun control order
(Photo by Alex Wong/Getty Images)

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઇ રહેલા હુમલાઓને વખોડી કાઢતાં વ્હાઇટ હાઉસે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. વ્હાઇટ હાઉસના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ ગત સપ્તાહે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણથી થતી હિંસા ચલાવી લેવાશે નહીં અને તેનો બચાવ પણ થઇ શકે નહીં. પ્રમુખ જો બાઈડેન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે સતર્ક છે. અમે અમેરિકાની ધરતી પર હુમલાને રોકવા માટે સતત કામ કરી રહ્યા છીએ.

તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા થયા છે જે પૈકીના કેટલાક તો જીવલેણ પણ નીવડ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય વિદ્યાર્થી વિવેક તનેજા 15મી સ્ટ્રીટ નોર્થવેસ્ટના 1100 બ્લોકમાં 2 ફેબ્રુઆરીએ સવારે 2 વાગ્યાની આસપાસ ફૂટપાથ પર પડેલો જોવા મળ્યો હતો. તેને જીવલેણ ઈજાઓ થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તનેજાની કોઈ સાથે વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને કારણે અજાણ્યા વ્યક્તિએ તનેજા સાથે મારપીટ કરી જમીન પર પછાડી દીધો હતો અને તેનું માથું ફૂટપાથ સાથે અથડાયું હતું. 7 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

6 ફેબ્રુઆરીએ અમેરિકાના શિકાગોમાં પણ એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો હતો. વિદ્યાર્થીની ઓળખ હૈદરાબાદના રહેવાસી સૈયદ મઝહિર અલી તરીકે થઈ છે. ભારતીય મિશને અલી અને તેના પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

અમેરિકાના ઓહાયોના સિનસિનાટીમાં પણ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું, જેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વિદ્યાર્થીની ઓળખ શ્રેયસ રેડ્ડી તરીકે થઈ હતી અને તે લિન્ડર સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતો હતો.
આ સિવાય પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્યનું પણ અમેરિકામાં મૃત્યુ થયું હતું. નીલ આચાર્ય કેટલાક દિવસોથી ગુમ હતો. થોડા કલાકો પછી, યુનિવર્સિટી કેમ્પસમાંથી તેની લાશ મળી આવી હતી.

હરિયાણાના પંચકુલાના વિવેક સૈનીને પણ 16 જાન્યુઆરીએ જ્યોર્જિયાના લિથોનિયામાં એક બેઘર વ્યક્તિએ માર માર્યો હતો. વિવેક જ્યોર્જિયાના લિથોનિયામાં MBA કરી રહ્યો હતો.

LEAVE A REPLY

13 − 3 =