કોરોના અને તેના નવા સબ-વેરિઅન્ટ JN.1 તથા ઈન્ફલ્યુએન્ઝા સહિત શ્વસન સંબંધિત બિમારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને તેમના સર્વેલન્સને મજબૂત કરવાનો અને તકેદારના પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો.

સંસ્થાના દક્ષિણ-પૂર્વ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે કોવિડ-19 વાયરસ વૈશ્વિક સ્તરે તમામ દેશોમાં ઊભરી રહ્યો છે, તેના સ્વરૂપમાં બદલાવ આવી રહ્યો છે અને ફેલાઈ રહ્યો છે. હાલના પુરાવા સૂચવે છે કે JN.1થી જાહેર આરોગ્ય પર વધારાનો ખતરો ઓછો છે. આપણે સાવચેતીના પગલાં માટે આ વાયરસના બદલાતા સ્વરૂપ પર દેખરેખ ચાલુ રાખવી જોઇએ. આ માટે દેશોએ સર્વેલન્સ અને સિક્વન્સિંગને મજબૂત બનાવવું જોઈએ અને ડેટાની વહેંચણીને સુનિશ્ચિત કરવી જોઈએ.

વિશ્વમાં ઝડપી ફેલાવાને પગલે WHOએ JN.1ને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યો છે. તાજેતરના સપ્તાહોમાં ઘણા દેશોમાં તેના કેસો નોંધાયા છે અને વૈશ્વિક સ્તરે ઝડપથી પ્રસરી રહ્યો છે.

એવી ધારણા છે કે આ વેરિયન્ટને કારણે વાયરલ અને બેક્ટેરિયલ ચેપના વધારા સાથે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં પ્રવેશતા દેશોમાં COVID-19 કેસોમાં વધારો કરી શકે છે.

ડૉ. ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે આ હોલિડે સિઝન દરમિયાન ઉત્સવો માટે લોકો મુસાફરી કરી રહ્યાં છે અને નબળા વેન્ટિલેશન સાથેના સ્થળો પર એકસાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યો છે. આવા લોકોએ રક્ષણાત્મક પગલાં લેવા જોઈએ અનેતબિયત સારી ન હોય ત્યારે સમયસર ક્લિનિકલ સંભાળ લેવી જોઈએ. રિજનલ ડાયરેક્ટરે કોરોના અને ઈન્ફલ્યુએન્ઝા સામે રસીકરણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે WHO દ્વારા માન્યતાપ્રાપ્ત કોવિડ-19 રસીઓ JN.1 સહિત તમામ પ્રકારોના વેરિયન્ટના કિસ્સામાં ગંભીર રોગો અને મૃત્યુ સામે રક્ષણ આપે છે.

કોરોનાના કેસો, હોસ્પિટલાઇઝેશનમાં સતત ઘટાડાને પગલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મે મહિનામાં જાહેરાત કરી હતી કે કોવિડ-19 હવે આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી નથી.

LEAVE A REPLY

6 + one =