(Photo by STRDEL/AFP via Getty Images)
બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી ચૂકેલા ઈમરાન હાશ્મી ઈન્ડસ્ટ્રીમાં ‘સિરિયલ કિસર’ તરીકે જાણીતો છે. તેણે ‘મર્ડર’, ‘અક્સર’ અને ‘ક્રૂક’ જેવી ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપીને ચર્ચા જગાવી હતી, જોકે તેણે છેલ્લા કેટલાક સમયથી આવા પાત્રો ભજવ્યા નથી. કારણ કે ઇમરાન તેની ‘સિરિયલ કિસર’ ઓળખથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે તાજેતરમાં એક ઇન્ટર્વ્યૂ દરમિયાન ફિલ્મોમાં કિસિંગ સીન અંગે વાત કરી હતી. આ સાથે તેણે કહ્યું કે કેટલાક નિર્માતાઓએ તેની ઇમેજનો ફાયદો ઉઠાવ્યો હતો.
ઈમરાનને પૂછવામાં આવ્યું કે, તેણે ફિલ્મોમાં કિસિંગ સીન કરવાનું કેમ બંધ કર્યું? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘મેં મારી ફિલ્મોમાં ક્યારેય કોઈ કિસિંગ સીનનો સમાવેશ કર્યો નથી. હકીકતમાં, હું શરૂઆતથી જ ફિલ્મોમાં તેને ઘટાડવા ઇચ્છતો હતો, પરંતુ મારી ઇમેજ એવી બની ગઇ હતી કે ઘણા નિર્માતાઓએ પણ તેનો લાભ લીધો હતો. જોકે, જ્યારે હું મારી ફિલ્મો જોઉં છું, ત્યારે મને ખરેખર લાગે છે કે કેટલીક જગ્યાએ આ દૃશ્યોની જરૂર નહોતી. નિર્માતાઓએ દર્શકોના મનોરંજન માટે આવા સીન કરાવ્યા હોવાથી મેં અનેકવાર ટીકાનો સામનો કર્યો હતો.
પછી તેને પૂછવામાં આવ્યું કે શું તેની પત્ની તેના કિસિંગ સીન કરવા બાબતે ચિંતિત છે? તેના જવાબમાં ઇમરાને સ્વીકાર્યું હતું કે તે એક વખત ચિંતિત થઈ ગઈ હતી અને એકવાર તે નારાજ પણ થઈ ગઈ હતી, પરંતુ હવે હું આવા સીન નથી કરતો.’ અભિનેતાએ કહ્યું, ‘શોટાઈમ’ જોયા પછી તે ફરીથી પરેશાન થઈ શકે છે કારણ કે તેમાંના કેટલાક દૃશ્યો સમાન છે. જોકે, આ બાબતે હું મારી પત્નીની સલાહ લઉં છું અને તેને સાંભળું પણ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાન છેલ્લે વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળ્યો હતો. તેના નવા પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં પવન કલ્યાણ સ્ટારર ‘ઓજી’માં જોવા મળશે. ઈમરાન હાશ્મી આ ફિલ્મથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ એક ગેંગસ્ટર ડ્રામા છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જોવા મળશે. ઇમરાન હાશ્મી નિર્માતા ફરહાન અખ્તરની નવી ફિલ્મ ‘ડોન 3’માં વિલનનો રોલ કરશે તેવું સૂત્રો કહે છે.

LEAVE A REPLY

one + 15 =