ફાઇલ ફોટો (ANI Photo)

પ્રેસિડન્ટ જો બાઇડનની ભારત મુલાકાત પહેલા અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેને ભારત સાથે નિયમિતપણે માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં પણ આ મુદ્દો ઉઠાવતું રહેશે. જી20 સમિટમાં ભાગ લેવા માટે બાઇડન આગામી મહિને નવી દિલ્હી આવવાના છે ત્યારે વિદેશ વિભાગે આ ટીપ્પણી કરી હતી.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે તેમની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે નિયમિતપણે એવા દેશો સાથે માનવાધિકારની ચિંતા કરીએ છીએ કે જેની સાથે અમે સંકળાયેલા છીએ. ભારત સાથે ભૂતકાળમાં આવા મુદ્દા ઉઠાવ્યા છે અને ભવિષ્યમાં પણ ઉઠાવીશું.

પ્રેસિડન્ટ બાઇડન તેમની આગામી ભારત યાત્રા દરમિયાન દેશમાં ખ્રિસ્તીઓના કથિત દમનનો મુદ્દો ઉઠાવશે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમે સ્પષ્ટ કર્યું છે કે અમે વિશ્વમાં કોઇપણ જગ્યાએ  ખ્રિસ્તીઓ અને કોઇ પણ ધાર્મિક જૂથના દમનનો વિરોધ કરીએ છીએ.

વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની લઘુમતીના મુદ્દે ઘણીવાર ટીકા થાય છે. સરકારના ટીકાકારો અને માનવાધિકાર સંગઠનો ભારતમાં લઘુમતીઓ સામેના હેટ ક્રાઇમ અંગે મોદી સરકારની કથિત નિષ્ક્રીયતા અંગે સતત ચિંતા વ્યક્ત કરતાં હોય છે.

ઉલ્લેખનીય છે કે જૂનમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન બાઇડને ધાર્મિક સ્વતંત્રતાને ભારત અને અમેરિકાનો મુખ્ય સિદ્ધાંત ગણાવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વભરમાં લોકશાહી મૂલ્યો પડકારોનો સામનો કરી રહ્યાં છે.

માર્ચમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ધાર્મિક સ્વતંત્રતા પર તેનો વાર્ષિક અહેવાલ જારી કર્યો હતો, જેમાં મોદી સરકાર હેઠળ ધાર્મિક લઘુમતીઓ, વિરોધીઓ અને પત્રકારો સામેના હુમલાઓની ચિંતા વ્યક્ત કરાઈ હતી. યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઈઆરએફ) એ મે મહિનામાં ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ભારતને બ્લેકલિસ્ટ કરવાની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે પીએમ મોદીના શાસનમાં લઘુમતીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

 

LEAVE A REPLY

20 − 11 =