(istockphoto.com)

ભારતની અગ્રણી આઇટી કંપની વિપ્રો બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઇન્શ્યોરન્સ (BFSI) ક્ષેત્રમાં તેની હાજરીમાં વધારો કરવા માટે 1.5 બિલિયન ડોલરમાં લંડન સ્થિત ગ્લોબલ મેનેજમેન્ટ એન્ડ ટેક કન્સલ્ટન્સી કેપ્કોને હસ્તગત કરશે. આ ડીલ વિપ્રોનું અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન છે.

ગયા વર્ષના જુલાઇમાં સીઇઓ બનેલા થીયરી ડેલપોર્ટની આગેવાની હેઠળ આ ડીલ કરવામાં આવી છે અને તે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હરીફ કંપનીઓની સરખામણીમાં ગુમાવેલા મોમેન્ટનને પરત મેળવવા માગે છે. વિપ્રોએ અગાઉ 2016માં 500 મિલિયન ડોલરમાં અમેરિકાની ક્લાઉડ કન્સલ્ટન્સી કંપની એપ્પિરિયો અને 2007માં 600 મિલિયન ડોલરમાં યુકેની કંપની ઇન્ફોક્રોસિંગ ખરીદી હતી.

યુકેની કંપની કેપ્કોએ 2020ના કેલેન્ડર વર્ષમાં આશરે 700 મિલિયનની આવક નોંધાવી હતી. વિપ્રોએ જણાવ્યું હતું કે આ એક્વિઝિશનથી ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસ હાલના 2.5 બિલિયન ડોલરથી વધીને 3.2 બિલિયન ડોલર થશે.

કેપ્કોની સ્થાપના 1998માં થઈ હતી અને તેનાથી વિપ્રોને 30 નવા BFSI ક્લાયન્ટ મળશે. કંપની 16 દેશોમાં આશરે 30 ગ્લોબલ લોકેશન્સમાં 5,000 કન્સલ્ટન્ટ્સ ધરાવે છે. કેપ્કો 100થી વધુ ક્લાયન્ટ સાથે કામ કરે છે અને અગ્રણી ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂશન સાથે લાંબા ગાળાના સંબંધો ધરાવે છે.

કેપ્કો માટેનું ઓલ-કેશ ટ્રાન્ઝેક્શન જૂન ક્વાર્ટરમાં પૂરું થવાની ધારણા છે. જોકે તે નિયમનકારી મંજૂરી અને બીજી શરતોને આધીન છે. આ સોદા માટે આંતરિક રોકડ ભંડોળ અને ઋણનો ઉપયોગ કરશે. વિપ્રો પાસે 6 બિલિયન ડોલરની રિઝર્વ છે.