(PTI Photo)

અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર દેશ રામમય બન્યો હતો. દેશભરમાં હર્ષ અને ઉત્સાહના વાતાવરણ સાથે વિશ્વભરના હિન્દુઓની આશરે 550 વર્ષની આતુરતાનો અંત આવ્યો હતો. એક સપ્તાહ લાંબી પૂજા વિધિ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર ભવ્ય-દિવ્ય પ્રસંગે આર્મીના હેલિકોપ્ટરોએ અયોધ્યા પર પુષ્પવર્ષા કરી હતી અને 30 કલાકારોએ રામ મંદિર પરિસરમાં વિવિધ ભારતીય સંગીતનાં વાદ્યો વગાડ્યાં હતાં

રામમંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સવારે 12:29થી 12:30 કરવામાં આવી હતી. વડાપ્રધાને બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. વડાપ્રધાનની મોદીની મંદિર પરિસરમાં પ્રવેશ સાથે જ શંખનાદ કરાયો હતો. નરેન્દ્ર મોદીના હાથમા વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતાં અને તે ગર્ભગૃહમાં પહોચ્યા હતાં. નરેન્દ્ર મોદીએ પ્રાણપ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી હતી અને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં હતા.
આ ભવ્ય પ્રસંગે દેશભરમાંથી અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતા. તેમના રોકાણ અને ભોજન માટે મોટા પાયા પર વ્યવસ્થા કરાઇ હતી. અયોધ્યામાં પતરાનું એક આખું નગર ઉભું કરાયું હતું. જેને તીર્થક્ષેત્રપુરમ નામ અપાયું હતું. આ નગરમાં સૂવા માટે બેડ તેમજ બાથરૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરાઈ હતી.

પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ ધાર્મિક વિધિઓ મકરસંક્રાન્તિ પછી તરત જ શરૂ થઈ થઈ હતી. જેમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના ચાર હજાર જેટલા સંતો આમંત્રિત કરાયા હતાં. સમગ્ર અયોધ્યામાં, શેરીઓ, મહોલ્લાઓ અને દિવાલોને આકર્ષક ડિઝાઇનથી શણગારવામાં આવી હતી.

ભગવાન રામ જયારે પોતાના મંદિરમાં બિરાજમાન થયા ત્યારે મગ્ર દેશના મુખ્ય મંદિરો અને તીર્થ સ્થાનો પણ રામમય બન્યાં હતાં. દેશભરમાં રામની પરંપરાઓ પર કેન્દ્રીત પૂજન, ભજન, આરતી અને પ્રસાદ વિતરણની વિશેષ તૈયારીઓ કરાઇ રહી હતી. અલગ અલગ દેવમંદિરોએ પોતાની પદ્ધતિઓ અને અર્ચનવિધિ સાથે રામલલ્લાના બિરાજમાન થવાનો પણ ઉત્સવ ઉજવ્યો હતો. ભાજપ, સંઘ અને તેના સંગઠનો દેશના પાંચ લાખથી વધુ મંદિરોમાં દીપોત્સવ અને વિશેષ પૂજાના આયોજનોમાં કર્યાં હતાં.

અન્ય મુખ્ય મંદિરોનું સંચાલન કરતા ટ્રસ્ટો અને વ્યવસ્થાપક સમિતિઓએ પણ આ દિવસે ખાસ કાર્યક્રમો મારફત આ મહોત્સવની ઉજવણી કરી હતી. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને અનેક રાજ્યો સરકારોએ તેમના કર્મચારીઓ માટે અડધા અથવા તો આખા દિવસની રજા જાહેર કરી હતી.

રામ મંદિરના સત્તાવાળાઓ એક આવકાર્ય જાહેરાત કરી હતી કે તમામ લોકોને પ્રવેશ મળશે. કોઈને પણ મંદિરમાં આવવા માટે ધર્મ, જાતિ કે ઓળખ પત્રની જરૂર નથી. આ સનાતન ધર્મનું મંદિર છે. અહીં તમામ લોકો આવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા આવશે તો તેને તેનો ધર્મ કે ઓળખ વિશે પૂછવામાં આવશે નહીં. કોઈના પણ પ્રવેશ પર પ્રતિબંધ નથી.

રામમંદિર માટે દેશ-વિદેશમાંથી ખાસ ભેટ અયોધ્યામાં મોકલવામાં આવી હતી. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિરને મોકલવામાં આવેલી ખાસ ભેટોમાં 108 ફૂટ લાંબી અગરબતી, 2100 કિલોનો ઘંટ, 1100 કિલો વજનનો વિશાળ દિપક, સોનાની ચાખડી, 10 ફૂટ ઉંચુ તાળું-ચાવી અને આઠ દેશનાં સમય દર્શાવતી ઘડીયાળ પણ સામેલ હતી. નેપાળમાં જનકપુરીમાં સીતાજીની જન્મ ભૂમિમાંથી ભગવાન રામ માટે 3 હજારથી વધુ ભેટ અયોધ્યા મોકલવામાં આવી હતી. આભુષણ અને કપડા સહિત ભેટોને નેપાળના જનકપુર ધામ રામ જાનકી મંદિરથી લગભગ 30 વાહનો દ્વારા અયોધ્યા લાવવામાં આવી હતી. શ્રીલંકાથી એક પ્રતિનિધિ મંડળ પણ અશોક વાટીકાથી એક વિશેષ ઉપહાર લઈને અયોધ્યા પહોંચ્યુ હતું. પ્રતિનિધિ મંડળે મહાકાવ્ય રામાયણમાં વર્ણિત અશોક વાટીકાથી લાવવામાં આવેલ એક શિલાની ભેટ આપી હતી.

વિશ્વભરના હિન્દુઓમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્રિટન, કેનેડા અને યુકેમા રહેતા ભારતીયોએ પણ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. અનેક ભારતીયોએ આ ઐતિહાસિક પ્રસંગને માણવા માટે ભારત આવવાની ટિકિટ પણ બુક કરાવી હતી. ભારતના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટેની પ્રાર્થનામાં ભાગ લેવા માટે મોરેશિયસ સરકારે 22મી જાન્યુઆરી 2024ના રોજ હિન્દુ ધર્મના અધિકારીઓને બે કલાકનો વિરામ આપ્યો હતો.

પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં અગ્રણી રાજકીય નેતાઓ, ટોચના ઉદ્યોગપતિઓ, ટોચના ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ, અમલદારો અને રાજદ્વારીઓ સહિતની હસ્તીઓને રાજ્યના મહેમાન તરીકે હાજર રહ્યાં હતા. આ સમારંભ માટે અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અક્ષય કુમાર, અલ્લુ અર્જુન, મોહનલાલ, અનુપમ ખેર, ચિરંજીવ, અમજદ અલી, મનોજ મુન્તશીર, સંજય ભણસાલી, ચંદ્રપ્રકાશ દ્વિવેદી સહિતની ફિલ્મ હસ્તીઓ તથા અંબાણી પરિવાર, આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, પિરામલ ગ્રૂપના ચેરમેન અજય પીરામલ, મહિન્દ્રા ગ્રૂપના આનંદ મહિન્દ્રા, DCM શ્રીરામના અજય શ્રીરામ , ટીસીએસના સીઇઓ કે કૃતિવાસન, ડો રેડ્ડીના લેબના કે સતીશ રેડ્ડી, ઝીના સીઇઓ પુનિત ગોએન્કા, એલએન્ડટીના સીઈઓ એસએન સુબ્રહ્મણ્યન, ડિવિસ લેબોરેટરીઝના દુરાલી દિવી, ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ સહિતના ઉદ્યોગપતિઓને પણ રાજ્યના મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

12 − nine =