સ્વીડિશ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલ્વિરા લુંડગ્રેન નોર્ધન સ્વીડનમાં -30 ડિગ્રી વાતાવરણમાં ઘરની બહાર આવતા તેના વાળ બરફના મુગટમાં પરિવર્તિત થઇને થીજી ગયા હતા. તેનો આ વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. આ વીડિયો જોઇને અનેક લોકોને મનોરંજન મળ્યું હતું પરંતુ ગાથરો થીજવનારી આ ઠંડી અનેક સ્વીડિશ લોકો માટે વ્યાપક મુશ્કેલીનું કારણ બની હતી અને ત્યાં જનજીવન ખોરવાયું હતું.

આ મહિલાએ વીડિયોમાં નીચે લખ્યું હતું કે, “તાપમાન -30 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, અને મારે માત્ર એક નાનો પ્રયોગ કરવો પડ્યો હતો.”
જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આર્કટિકની ધ્રુજાવનારી ઠંડીની અસરથી ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિઓના વર્ણનો લોકોએ લખ્યા હતા. એલ્વિરાના થીજી ગયેલા વાળ પણ ચર્ચાનો વિષય બન્યા હતા.
ગત બુધવારે સ્વીડનમાં 25 વર્ષના ઇતિહાસની સૌથી ઠંડી રાત્રિ નોંધાઈ હતી, જ્યારે દૂરના ઉત્તર નોર્ડિક્સમાં -43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

સ્વીડનની રાષ્ટ્રીય હવામાન એજન્સી SMHIના હવામાનશાસ્ત્રી, મેટ્ટિઆસ લિન્ડે સમાચાર એજન્સી-એએફપીને જણાવ્યું હતું કે, “1999 પછી સ્વીડનમાં જાન્યુઆરીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જાન્યુઆરી 1999માં, સ્વીડનમાં -49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જેણે 1951માં રેકોર્ડની બરાબરી કરી હતી.
બુધવારનું તાપમાપ સ્વીડનના ખૂબ જ દૂર ઉત્તરમાં આવેલા કવિક્કજોક્ક-અર્રેનજાર્કા સ્ટેશન પર નોંધવામાં આવ્યું હતું. 1888માં તાપમાન માપવાનું શરૂ થયું ત્યારથી આ ચોક્કસ સ્થળે નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું.” સ્વીડનના ઉત્તરમાં આવેલા કેટલાક અન્ય સ્ટેશનોમાં -40 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાન નોંધાયું હતું.
આ પ્રદેશના રહેવાસીઓ આવા તીવ્ર ઠંડા તાપમાનમાં રહેવા માટે ટેવાયેલા છે, ત્યારે તાજેતરની આવી ઠંડીના કારણે સ્થાનિક બસ ઓપરેટરોને બસનું સંચાલન સ્થગિત કરવાની ફરજ પડી હતી. ટ્રેન ઓપરેટર વી એ જણાવ્યું હતું કે તેણે ઉમિઆ શહેરની ઉત્તર તરફની તમામ ટ્રેનોને ઘણા દિવસો સુધી રદ કરી હતી.

LEAVE A REPLY

3 − 1 =