વિશ્વના મોટા ભાગના દેશો આજે કોરોના વાઈરસ સામે લડી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના કેસ 6 લાખ 63 હજાર 740 થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક 30 હજાર 879 થઈ ગયો છે. એક લાખ 42 હજાર 183 લોકો સંક્રમણ પછી સાજા થઈ ગયા છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 23 હજાર 750 એ પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 2227 થઈ ગયો છે.

ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ એક લાખે પહોંચવા આવ્યા છે, જ્યારે અહીં મૃત્યુઆંક 10 હજાર પાર પહોંચી ગયો છે. વાઈરસની જ્યાંથી શરૂઆત થઈ હતી તેવા ચીનમાં કુલ 81439 કેસ નોંધાયા હતા. તેમાંથી હાલ માત્ર 2691 દર્દી જ સારવાર લઈ રહ્યા છે. ચીનમાં મૃત્યુઆંક 3300 હતો.

સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું 26 માર્ચના રોજ પેરિસમાં મોત થયું. તેની ઉંમર 86 વર્ષની હતી. મારિયાના મોતની જાણકારી તેના ભાઈ એનરિક ડી બોરબોને ફેસબુક પર આપી છે. વિશ્વભરમાં શાહી પરિવારમાં આ પ્રથમ મોત છે. રાજકુમારી મારિય પરિવારની કેડેટ શાખા, બોર્ન-પરમા ગરની સભ્ય હતી.