વિશ્વમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા બુધવારે 60 મિલિયનને વટાવી ગઈ હતી. મોટાભાગના દેશોમાં સંક્રમણની ગતિમાં વધારો થયો છે અને અમેરિકામાં વિક્રમજનક કેસ અને મોત નોંધાઈ રહ્યાં છે, એમ રોઇટર્સ ટેલીમાં જણાવાયું હતું.

ગુરુવારે વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 60.37 મિલિયન થઈ હતી અને અત્યાર સુધી કુલ 1,420,556 લોકોના મોત થયા છે. સૌથી વધુ સંક્રમિત દેશોમાં અનુક્રમે અમેરિકા, ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ અને રશિયાનો ક્રમ આવે છે. ગુરુવાર સુધીના ડેટા મુજબ અમેરિકામાં આશરે 12.77 મિલિયન કેસ નોંધાયા છે અને 162,139 લોકોના મોત થયા છે. ભારતમાં 9.26 મિલિયન કેસ નોંધાયા છે અને 135,223 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં 6.16 મિલિયન કેસ નોંધાયા છે અને 170,769 લોકોના મોત થયા છે.
વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકાએ થેન્કગિવિંગ હોલિડે દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાનો અનુરોધ કર્યો છે. અમેરિકામાં એક સપ્તાહ કરતાં ઓછા સમયમાં એક મિલિયન નવા કેસો નોંધાયા હતાા અને તેનાથી તેના કુલ કેસની સંખ્યા વધીને 12.5 મિલિયન થઈ છે. અમેરિકામાં કુલ મૃત્યુઆંક 260,000ને પાર કરી ગયો છે.

રોઇટ્સના ડેટા અનુસાર વિશ્વમાં નવા કેસના દરમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસની સંખ્યા 50 મિલિયનથી 60 મિલિયન થતાં માત્ર 17 દિવસ લાગ્યા હતા. આની સામે 40 મિલિયનથી 50 મિલિયન સંખ્યા થતાં 21 દિવસ લાગ્યા હતા. છેલ્લાં એક સપ્તાહમાં દૈનિક ધોરણે સરેરાશ 580,000 કેસ નોંધાય છે

યુરોપમાં માત્ર પાંચ દિવસમાં એક મિલિયન નવા કેસ નોંધાયા હતા. યુરોપમાં કુલ કેસની સંખ્યા 16 મિલિયન થઈ છે અને કુલ 365,000 લોકોના મોત થયા છે. ક્રિસમસને કારણે મહામારીના ફેલાવામાં વધારો થવાનું જોખમ છે. બ્રિટનમાં આગામી સપ્તાહે નેશનલ લોકડાઉનનો અંત આવે છે. જર્મની, સ્પેન અને ઇટલીમાં હોલિડે દરમિયાન નવા નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.