વિશ્વભરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 10 લાખના આંકે પહોંચવા આવી છે. અત્યાર સુધીમાં 9 લાખ 36 હજાર કેસ નોંધાયા છે. 47 હજાર 245 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 1 લાખ 94 હજાર 286 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસથી બ્રિટનમાં 24 કલાકમાં 563 લોકોના મોત થયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ 29474 થયા છે જ્યારે મૃત્યુઆંક 2352 થયો છે.
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ દુતેર્તેએ ક્વોરન્ટિન દરમિયાન હિંસક પ્રદર્શન કરનાર લોકોને ગોળી મારવાનો આદેશ આપ્યો છે.  મેટ્રો મનીલામાં ભોજન વિતરણ દરમિયાન પ્રદર્શનકારીઓ બેકાબૂ થઈ ગયા હતા.ત્યાર પછી રાષ્ટ્રપતિએ આ આદેશ આપ્યો હતો.  દુતેર્તેએ કહ્યું હતું કે પોલીસ અને સેનાને મેં આદેશ આપ્યો છે કે કોઈ મુશ્કેલી ઊભી કરે છે અને જીવનું જોખમ ઊભુ કરે છે તેઓને ગોળી મારી દો. કોઈ સ્વાસ્થ્ય કર્મચારીઓને નુકસાન ન પહોંચાડવાની પણ તેઓએ અપીલ કરી.
અમેરિકામાં કોરોનાના 2 લાખ 15 હજાર 215 કેસ નોંધાયા છે.મૃત્યુઆંક 5110 એ પહોંચ્યો છે. ઈટાલીમાં 1 લાખ 10 હજાર 574 કેસ નોંધાયા છે, જ્યારે અહીં 13155 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં એક લાખ 4 હજાર 118 કેસ નોંધાયા છે, જ્યારે અહીં 9387 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રીના પત્ની કોરોના વાઈરસથી સંક્રમિત થચા છે. કોરોના વાઈરસના કારણે સરકારે લગાવેલા પ્રતિબંધોના કારણે ઈઝરાયલમાં 25 ટકા લોકોએ નોકરી ગુમાવી છે. માર્ચની શરૂઆતમાં 8 લાખ 43 હજાર 945 નવા બેરોજગાર લોકોએ નોંધણી કરાવવાની સાથે કુલ બેરોજગાર 10 લાખ 4 હજાર 316 થઈ ગઈ છે.  ઈઝરાયલ સરકારે કોરોના સામે લડવા માટે 22.5 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. ઈઝરાયલમાં કોરોનાના 6092 કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત થયા છે.