(istockphoto.com)

કોરોના મહામારીને કારણે વિશ્વભરના દેશોની ખોરવાઈ ગયેલી આર્થિક સ્થિતિ ૨૦૨૨ સુધી રાબેતા મુજબ ન બનવાની શક્યતા છે, એમ મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું.

આ વૈશ્વિક ફાઇનાન્શિયલ કંપનીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ 11 માર્ચ 2020ના રોજ કોરોનાને વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરી હતી. આ વર્ષથી જ વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. આર્થિક અસરને કારણે બોન્ડ ડિફોલ્ટસમાં વધારો થયો છે. કોરોનાને કારણે ઊભા થયેલા ધિરાણ પડકારો ઘણાં જ ગંભીર છે પરંતુ ધિરાણમાં ઘટાડો ટૂંકા ગાળા પૂરતું જ રહેશે. જે ક્ષેત્રોની સામાન્ય પ્રવૃત્તિઓ મર્યાદાઓથી અસર પામી રહી છે તેમની સામે જોખમો નોંધપાત્ર ઊંચા રહેલા છે.

મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ ૨૦૨૨ પહેલા કોરોના પહેલાના સ્તરે જોવા મળવાની શકયતા નહીં હોવાનું જણાવીને રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક રિકવરી ધીમી અને તબક્કાવાર રહેશે તથા આર્થિક ભાવિ અંગે અનિશ્ચિતતા સામાન્ય કરતા ઘણી ઊંચી રહેશે. મહામારી હળવી થયા બાદ પણ નીતિવિષયક પગલાં દ્વારા આર્થિક પ્રવૃત્તિ તથા નાણાં બજારોને ટેકો પૂરો પાડવાનું ચાલુ રખાશે. મહામારી નાબુદ થઈ જવા પછી પણ અનેક દેશોએ વર્ષો સુધી આર્થિક ટેકા પૂરા પાડવાનું ચાલુ રાખવું પડશે. મહામારીની વ્યાપકતા અને ફેલાવો વેકસિનેશનમાં વધારાને કારણે વર્તમાન વર્ષમાં ઘટી જશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.