વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું ન્યૂયોર્કમાં હૃદયરોગના હુમલાને કારણે 49 વર્ષની નાની વયે અવસાન થયું હતું. અગ્નિવેશ શહેરની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સ્કીઇંગ અકસ્માતમાંથી સ્વસ્થ થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.
આ દિવસને પોતાના જીવનનો સૌથી અંધકારમય દિવસ ગણાવી અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે “મારો પ્રિય પુત્ર, અગ્નિવેશ આપણને ખૂબ જ વહેલા છોડીને ચાલ્યો ગયો. તે ફક્ત 49 વર્ષનો હતો, જીવન અને સપનાઓથી ભરેલો. યુએસમાં સ્કીઇંગ અકસ્માત પછી તે ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો હતો. અમને લાગ્યું કે સૌથી ખરાબ સમય જતો રહ્યો છે, પરંતુ ભાગ્યની યોજના કંઈક અલગ જ હતી અને અચાનક હૃદયરોગના હુમલાએ અમારા પુત્રને અમારાથી છીનવી લીધો.”
અનિલ અગ્રવાલને ૩ જૂન, ૧૯૭૬ના રોજ પટનામાં જન્મથી લઈને ઉદ્યોગપતિ બનવા સુધીની અગ્નિવેશની સફર યાદ કરી જણાવ્યું હતું કે “એક મધ્યમ વર્ગના બિહારી પરિવારમાંથી તે શસક્ત, કરુણા અને ઉદ્દેશપૂર્ણ વ્યક્તિ બન્યો હતો. તે તેની માતાના જીવનનો પ્રકાશ હતો, એક રક્ષક ભાઈ હતો, એક વફાદાર મિત્ર અને એક સૌમ્ય આત્મા હતો, જે દરેકને સ્પર્શી ગયો.
અગ્નિવેશે અજમેરની માયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ફુજેરાહ ગોલ્ડની સ્થાપના કરી હતી. બાદમાં તેઓ હિન્દુસ્તાન ઝિંકના ચેરમેન બન્યાં હતાં. અગ્રવાલે જણાવ્યું હતું કે સિદ્ધિઓ મેળવી છતાં તેમનો પુત્ર સરળ, પ્રેમાળ અને માનવીય કરુણાથી ભરપૂર હતો. મારા માટે, તે ફક્ત મારો પુત્ર નહોતો. તે મારો મિત્ર હતો. મારું ગૌરવ હતો. મારી દુનિયા હતો.
અગ્રવાલે તેમના પુત્ર સાથે આત્મનિર્ભર ભારત બનાવવા અને સમાજના ઉત્થાન માટેના એક સહિયારા સ્વપ્ન અંગે જણાવ્યું હતું કે “અગ્નિ આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઊંડો વિશ્વાસ રાખતો હતાો. તે ઘણીવાર કહેતો, ‘પપ્પા, એક રાષ્ટ્ર તરીકે આપણમાં કોઈ કમી નથી. આપણે પાછળ કેમ રહીએ?’ મેં અગ્નિને વચન આપ્યું હતું કે આપણે જે કમાઈશું તેના 75%થી વધુ હિસ્સો સમાજને પાછો આપીશું. આજે હું તે વચનની ફરી પ્રતિબદ્ધતા આપું છું અને વધુ સરળ જીવન જીવવાનો સંકલ્પ કરું છું.
હૃદયસ્પર્શી સંદેશ સાથે અગ્રવાલે જણાવ્યું હતું કે “બેટા, તું અમારા હૃદયમાં, અમારા કાર્યમાં અને તારા સ્પર્શેલા દરેક જીવનમાં જીવતો રહીશ. તારા વિના આ માર્ગ પર કેવી રીતે ચાલવું તે મને ખબર નથી, પણ હું તારા પ્રકાશને આગળ વધારવાનો પ્રયાસ કરીશ.”
અનિલ અગ્રવાલને બે બાળકો છે, તેમના સ્વર્ગસ્થ પુત્ર અગ્નિવેશ અને પુત્રી પ્રિયાનો સમાવેશ થાય છે. પ્રિયા વેદાંત લિમિટેડના બોર્ડમાં છે અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના અધ્યક્ષ છે. અગ્નિવેશ વેદાંતની પેટાકંપની તલવંડી સાબો પાવર લિમિટેડના ચેરપર્સન હતા.













