ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે વરસાદ પડતા મેચનો પ્રારંભ થઇ શક્યો નહોતો. જેથી બીજા દિવસે મેચ શરૂ થઇ શકી છે. શરૂઆતમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરી રહ્યા છે. ભારતીય ટીમના ખેલાડીઓ મિલ્ખા સિંઘને શ્રદ્ધાંજલી આપવા માટે કાળી પટ્ટી બાંધીને મેચ રમી રહ્યા છે. આ મેચ 98 ઓવરની યોજાશે. બીજા અને ત્રીજા સેશનમાં 15-15 મિનિટ વધારવામાં આવી છે.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ સુકાની તરીકે સૌથી વધુ 61 ટેસ્ટ રમીને ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોનીએ 60 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી. ત્રીજા નંબર પર સૌરવ ગાંગુલી છે, તેમણે 49 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે.
ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરના જણાવ્યા પ્રમાણે પિચ પર ઘાસ ઓછું છે. તેવામાં શરૂઆતની કેટલીક ઓવરમાં પેસર્સને મદદ મળી શકે છે. પ્રથમ બોલિંગ કરતી ટીમ શરૂઆતમાં વિકેટો ઝડપીને મેચમાં પકડ બનાવવાની ઇચ્છા રાખશે.
ન્યૂઝીલેન્ડની ટીમમાં એકપણ સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે 4 ફાસ્ટ બોલર- કાઇલ જેમિસન, ટિમ સાઉદી, નીલ વેગનર અને ટ્રેંટ બોલ્ટનો સમાવેશ કરાયો છે. જ્યારે કોલિન ડિ ગ્રેન્ડહોમ મિડિયમ પેસ બોલિંગ ઓલરાઉન્ડર છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાઉથહેમ્પટનમાં 5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પણ પડી શકે છે. જોકે શનિવારે સાઉહેમ્પટનમાં વરસાદ પડવાની સંભાવના ઓછી છે.