Getty Images)

ચીનમાં કોરોના વાઇરસની મહામારીના મુખ્ય કેન્દ્ર રહેલા વુહાન શહેરની એક અગ્રણી હોસ્પિટલમાંથી કોવિડ-19ના દર્દીઓના એક જૂથના લેવાયેલા નમૂનાઓમાંથી 90 ટકા દર્દીઓના ફેફસામાં નુકસાન થયું હોવાનું જણાયું છે. પાંચ ટકા દર્દીઓને બીજીવાર ચેપ લાગતાં તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મીડિયા રીપોર્ટસમાં જણાવ્યા મુજબ વુહાન યુનિવર્સિટીના ઝોંગનન હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્વમાં એક ટીમ એક એપ્રિલથી સાજા થયેલા 100 દર્દીઓને મળીને ફરીથી તેમના આરોગ્યની તપાસ કરી રહ્યા છે.

એક વર્ષના કાર્યક્રમનો પ્રથમ તબક્કો જુલાઇમાં પૂર્ણ થયો છે. અભ્યાસમાં સામેલ દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. સરકારી ગ્લોબલ ટાઇમ્સના સમાચાર મુજબ પ્રથમ તબક્કાના પરિણામો અનુસાર 90 ટકા દર્દીઓના ફેફસા હજુ પણ ખરાબ સ્થિતિમાં છે, એટલે કે તેમના ફેફસામાં હવાનો પ્રવાહ અને ગેસ એક્સચેન્જનું કામ સ્વસ્થ લોકોના સ્તર સુધી પહોંચ્યું નથી. પેંગની ટીમે દર્દીઓ પર છ મિનિટ સુધી વોકિંગની પણ તપાસ કરી હતી.

તેમને જણાયું હતું કે, બીમારીમાંથી સાજા થયેલા લોકો છ મિનિટમાં 400 મીટર સુધી જ ચાલી શક્યા હતા જ્યારે સ્વસ્થ લોકો આ સમય દરમિયાન 500 મીટરનું અંતર કાપી શક્યા હતા. બૈજિંગ યુનિવર્સિટી ઓફ ચાઇનીઝ મેડિસીનના ડોંગઝેમિન હોસ્પિટલના ડો. લિયાંગ ટેંગશિયાઓને ડિસ્ચાર્જ કરાતા હોસ્પિટલમાંથી મુક્ત થયાના ત્રણ મહિના પછી પણ સાજા થયેલા કેટલાક દર્દીઓને ઓક્સિજન મશીનની જરૂર પડે છે. 65થી વધુ ઉંમરના સાજા થયેલા દર્દીઓમાં કોરોના વાઇરસ વિરુદ્ધ બનેલા એન્ટીબોડિઝ પણ 100 દર્દીઓમાંથી 10 ટકામાં હવે જોવા મળી નથી.