Getty Images)

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 56 હજારથી વધારે કેસ નોંધાયા છે અને 904 લોકોના મોત થઈ ગયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 19,64,536 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 56,282 કેસ સામે આવ્યા છે. દેશભરમાં આ જીવલેણ બીમારીને કારણે અત્યાર સુધી 40,699 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં કોરોનાનો રિકવરી રેટ 67.61 ટકા છે જ્યારે પોઝિટિવિટી રેટ 8.46 ટકા છે. 5 ઓગસ્ટના રોજ દેશભરમાંથી 6,64,949 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી દેશમાં 2 કરોડ 21 લાખ 49 હજાર 351 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે. ભારતમાં હાલ ત્રીજા તબક્કાનું અનલોક ચાલી રહ્યું છે.

જો કે નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ભારત હજુ સુધી કોરોના મહામારી મામલે ટોચ પર નથી પહોંચ્યું. પૂર્વ વૈજ્ઞાનિક ‘જી’ અને આઈસીએમઆરના પ્રમુખ ડો. લલિત કાંતના કહેવા પ્રમાણે હજુ આપણે ભારતમાં મહામારીની ટોચ નથી સ્પર્શ્યા. આપણો ગ્રાફ હજુ પણ એક સીધી રેખામાં ઉપર જઈ રહ્યો છે. કેસમાં ઘટાડો નોંધાશે ત્યાર બાદ બીજી લહેર જોવા મળશે.

પહેલા ભારતમાં જુલાઈ 2020 સુધીમાં કોરોનાના કેસની સંખ્યા પીક પર હશે તેવો સંકેત જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ અનેક નિષ્ણાંતોના મતે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં દેશમાં કોરોના પીક પર પહોંચી શકે છે. જો કે આ બધું જ સરકારી પ્રયત્નો અને લોકોના સાર્વજનિક વ્યવહાર પર નિર્ભર કરશે.

ડો. લલિત કાંતના કહેવા પ્રમાણે દિલ્હીની સ્થિતિ જોતા આપણે પીક પર પહોંચી ગયા હોઈએ અને ફરી નીચે જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે પરંતુ કોરોના સંક્રમણની બીજી લહેરને નકારી ન શકાય. તેમના મતે ચોમાસાના કારણે કોવિડ-19નું સંક્રમણ વધી શકે છે અને બીજું આ ઈન્ફ્લુએન્ઝાની ઋતુ છે જે ચોમાસાથી શરૂ થાય છે. ઈન્ફ્લુએન્ઝા અને કોવિડ-19ના લક્ષણો લગભગ સમાન છે.

ભારતમાં તબક્કાવાર અનલોક કરવામાં આવી રહ્યું હોવાથી બીજી લહેરની શક્યતા ઘટી જાય છે. લોકડાઉનને તબક્કાવાર રીતે ખોલવામાં આવી રહ્યું છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત સંયમિત વ્યવહાર માટે સંદેશા આપી રહી છે.