પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લંડનમાં ટ્રેડિંગ સ્ટાન્ડર્ડના અધિકારીઓએ 1,400 લિટર બિનસત્તાવાર પવિત્ર પાણી ઝમઝમ જપ્ત કર્યું છે. એવી આશંકા છે કે લેસ્ટર સહિતના કેટલાક સ્થળોએ પહેલાથી વેચાણ થઇ રહ્યું હશે. મુસ્લિમો ઝમઝમના પાણીને પવિત્ર અને ચમત્કારિક રીતે ઉત્પન્ન થયેલ પાણીનો સ્ત્રોત માને છે.

સાઉદી અરેબિયાના મક્કામાં આવેલા એક કૂવામાંથી મળતું અસલી ઝમઝમ પાણી ઘણા પ્રવાસીઓ થોડી માત્રામાં સાથે ઘરે લાવે છે. જો કે, નકલી પાણી પીવું સલામત નથી અને તેને યુકેમાં કાયદેસર રીતે વેચી શકાતું નથી.

કાઉન્સિલના અધિકારીઓએ ટિપના આધારે વેસ્ટ લંડનના ઈલિંગમાં એક આયાતકારને ત્યાં દરોડો પાડી પાંચ લિટરની 280થી વધુ બોટલો જપ્ત કરી તપાસ શરૂ કરી હતી. આ પાણી તુર્કીથી કન્ટેનરમાં આવ્યું હોવાની શંકા છે. બ્રેડફોર્ડ, લેસ્ટર અને મોટા મુસ્લિમ સમુદાયો ધરાવતા અન્ય સ્થળોએ હજારો બોટલો વેચાતી હોવાની ચિંતા ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઈલિંગ કાઉન્સિલના વરિષ્ઠ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ઓફિસર મોહમ્મદ તારિકે  જણાવ્યું હતું કે “આ બોટલ યુકેમાં કેવી રીતે પ્રવેશી તે અમે જાણતા નથી. ગ્રાહકો આવી પ્રોડક્ટ ખરીદવાના જોખમોથી વાકેફ હોવા જોઈએ. અમારી ચિંતા એ છે કે મુસ્લિમ સમુદાયના સભ્યો શેરીમાં વેચાતા આ ઝમઝમને વેચનારાઓ પાસેથી ઝમઝમનું પાણી ખરીદવા માટે લલચાઈ શકે છે. બોટલોની ઔપચારિક તપાસ કરવામાં આવશે અને ઝમઝમ પીને અસ્વસ્થતા અનુભવાય તો જીપીનો સંપર્ક કરવો જોઈએ.