યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી. (Photo by Ronald Wittek - Pool/Getty Images)

યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રવિવાર (27 માર્ચે) યુદ્ધ વિમાનો અને એર ડિફેન્સ મિસાઇલ આપવા માટે પશ્ચિમી દેશોને ફરીએકવાર અનુરોધ કર્યો છે. રવિવારે વીડિયો સંબોધનમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમારા ભાગીદારો (પશ્ચિમ દેશો) પાસે આ તમામ શસ્ત્રો છે અને માત્ર ધૂળ ખાઈ રહ્યાં છે. તે માત્ર યુક્રેનની જ નહીં, પરંતુ યુરોપની સ્વતંત્રતા માટે જરૂરી છે.

ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે પોલેન્ડ અને સ્લોવાકિયા સહિતના બાલ્ટિક દેશોએ પણ રશિયાના હુમલાનો સામનો કરવો પડશે, કારણ કે તેમની પાસે નાટોના માત્ર એક ટકા યુદ્ધવિમાનો અને ટેન્કો છે. માત્ર એક ટકા શસ્ત્રો, અમે વધુ માગણી કરી રહ્યાં છીએ અને અમે 31 દિવસથી રાહ જોઇ રહ્યાં છીએ. પશ્ચિમી દેશોએ યુક્રેનને ઝડપથી મદદ કરવી જોઇએ. યુક્રેન શોટગન અને મશિનગનથી રશિયાના મિસાઇલ તોડી શકે નહીં. અમે ટેન્કોની પૂરતી સંખ્યા વગર મોરિયાપોલને રશિયાના કબજામાંથી છોડાવી શકીએ નહીં.અમેરિકા અને યુરોપના તમામ દેશો આ બાબત સારી રીતે જાણે છે.

તેમણે રશિયાને ચીમકી આપી હતી કે તેના સતત તોપમારા અને હવાઇહુમલાથી યુક્રેનના શહેરો તબાહ થઈ રહ્યાં છે અને તેનાથી યુક્રેનના લોકોમાં રશિયા સામે તીવ્ર ધિક્કાર જન્મી રહ્યો છે.