સરકારની નીતિ વિરુદ્ધ 28-29 માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાલ દરમિયાન કોલકતામાં સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (સીટુ)ના સમર્થકોએ દેખાવો કર્યા હતા. પોલીસે તેમની અટકાયત કરી હતી. (ANI Photo)

સેન્ટ્રલ ટ્રેડ યુનિન્સના સંયુક્ત ફોરમે સોમવાર (28 માર્ચ) થી બે દેશની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું હોવાથી બેન્કિંગ, પરિવહન, રેલવે અને વીજળી સંબંધિત આવશ્યક સેવાઓને અસર થવાની ધારણા છે. સરકારી બેન્કોના યુનિયનોએ પણ આ હડતાલને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

ઓલ ઇન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહામંત્રી અમરજીત કૌરે જણાવ્યું હતું કે સરકારની નીતિઓના વિરુદ્ધમાં 28 અને 29 માર્ચની હડતાલમાં આશરે 20 કરોડ કામદારો જોડાય તેવી અમને ધારણા છે. તેઓ દેશના વિવિધ ભાગોમાં એકઠા થઈને વિરોધી દેખાવો કરશે. આ હડતાલથી ગ્રામીણ વિસ્તારોને પણ અસર થવાની ધારણા છે, કારણ કે કૃષિ અને બીજા સંબંધિત ક્ષેત્રોના અસંગઠિત કામદારો પણ આ હડતાલમાં સામેલ થશે.

કોલસા, સ્ટીલ, ક્રૂડ ઓઇલ, ટેલિકોમ, પોસ્ટ, ઇનકમ ટેક્સ, કોપર, બેન્ક અને ઇન્શ્યોરન્સ જેવા વિવિધ ક્ષેત્રોના કામદાર યુનિયન્સે હડતાલની નોટિસ આપી છે. જોઇન્ટ ફોરમે જણાવ્યું હતું કે રેલવે અને સંરક્ષણ ક્ષેત્રના કામદાર યુનિયનો કેટલાંક સ્થળોએ આ હડતાલના સમર્થનમાં એકઠા થશે.

કામદાર યુનિયનો શ્રમ કાયદામાં સૂચિત સુધારાને રદ કરવાની, કોઇપણ પ્રકારે ખાનગીકરણ ન કરવાની તથા નેશનલ મોનેટાઇઝેશન યોજનાને પડતી મૂકવાની માગણી કરી રહ્યાં છે. તેઓ મનરેગા હેઠળના વેતનમાં વધારો કરવાની અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાની પણ માગણી કરી રહ્યાં છે. જોઇન્ટ ફોરમના જણાવ્યા અનુસાર રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી વિભાગોના કર્મચારીઓએ પણ આ હડતાલમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. આવશ્યક સર્વિસ જાળવી ધારા (એસ્મા) લાગુ કરવાનું જોખમ હોવા છતાં પણ આ કર્મચારીઓ હડતાલમાં જોડાશે. ૉ

ભારત બંધનું એલાન આપનારા કામદાર યુનિયનોનમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF અને UTUCનો સમાવેશ થાય છે. વીજળી મંત્રાલયે તેની એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે વીજ ગ્રાહકોના હિતમાં સલાહ આપવામાં આવે છે કે તમામ પાવર યુનિટિલિટી ઇલેક્ટ્રિસિટી ગ્રીડ 24 કલાક ચાલુ રહે તથા તમામ પ્લાન્ટ, ટ્રાન્સમિશન લાઇન અને સબસ્ટેશન્સ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લે. તમામ રિજનલ-સ્ટેટ કંટ્રોલ રૂમના અધિકારીઓએ હાઇએલર્ટ રહેવાની પણ સૂચના આપી છે. 28-29 માચે નિર્ધારિત શટડાઉન કામગીરીને શક્ય હોય ત્યાં સુધી ભાવિ તારીખ સુધી વિલંબિત કરવી. મંત્રાલયે જણાવ્યું છે કે કોઇપણ ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરવા 24X7ના ધોરણે તમામ મહત્ત્વના સબ-સ્ટેશન- પાવર સ્ટેશનમાં પૂરતી સંખ્યામાં કર્મચારીઓ હાજર રાખવા. આ ઉપરાંત હોસ્પિટલ્સ, સંરક્ષણ અને રેલવે જેવી આવશ્યક સેવાઓના ક્ષેત્રોને પાવર સપ્લાય સુનિશ્ચિત કરવો.

આ હડતાલને બેન્ક કર્મચારીઓના યુનિયનોએ પણ સમર્થન આપ્યું છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇ એસોસિયેશન્સ (AIBEA)ના મહામંત્રી સી એચ વેંકટચલને જણાવ્યું હતું કે સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ બંધ કરવું જોઇએ અને બેન્કો મજબૂત બનાવવી જોઇએ. બેન્ક કર્મચારીઓ શકમંદ લોનની ઝડપી વસૂલાત, બેન્ક ડિપોઝિટના ઊંચા વ્યાજદર, ગ્રાહકો પર નીચા સર્વિસ ચાર્જ તથા સ્ટાફ માટે જુની પેન્શન સ્કીમનો અમલની પણ માગણી કરે છે.
દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ સહિતની સંખ્યાબંધ સરકારી બેન્કોએ જણાવ્યું છે કે આ હડતાલથી તેમની બેન્કિંગ સેવાને મર્યાદિત પ્રમાણમાં અસર થઈ શકે છે. એસબીઆઇએ જણાવ્યું છે કે બેન્કે તેની બ્રાન્ચ અને ઓફિસમાં રાબેતા મુજબની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા કરી છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ જણાવ્યું છે કે બેન્કે તેની બ્રાન્ડ અને ઓફિસમાં રાબેતા મુજબની કામગીરી માટે તમામ વ્યવસ્થા કરી છે, પરંતુ હડતાલને કારણે અમારી બેન્કમાં કામગીરીને મર્યાદિત અંશે અસર થઈ શકે છે. બેંગલુરુ સ્થિત કેનેરા બેન્કે પણ જણાવ્યું છે કે બ્રાન્ચ અને ઓફિસમાં તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હડતાલને કારણે સેવાને અસર થઈ શકે છે.

રાષ્ટ્રવ્યાપી હડતાલને બેન્ક યુનિયનોનું સમર્થન

બે દિવસની રાષ્ટ્રીવ્યાપી હડતાલને બેન્ક યુનિયનોએ સમર્થન આપ્યું છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇ એસોસિયેશન્સ (AIBEA), બેન્ક એમ્પ્લોઇ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) અને ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિયેશન(AIBOA)એ 28-29 માર્ચે હડતાલની નોટિસ આપી છે.