સ્થાનિક પ્લાનિંગ અધિકારીઓ દ્વારા બે વાર અરજી નકારી કાઢવામાં આવી હોવા છતાં અને સ્થાનિક સમુદાયના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હોવા છતાં, બિલીયોનેર ઇસા ભાઈઓએ બ્રિટનના સૌથી મોટા મુસ્લિમ કબ્રસ્તાન બનવાના તેમના વિવાદાસ્પદ પ્રસ્તાવને ફરીથી જીવંત કર્યો છે.
2020માં £7 બિલિયનના સોદામાં આસ્ડા હસ્તગત કરનાર બ્લેકબર્ન સ્થિત ઉદ્યોગસાહસિકો મોહસિન અને ઝુબેર ઇસા હવે લેન્કેશાયરના ઓસ્વાલ્ડટવિસલમાં 45 એકરના પ્લોટ પર નવા કબ્રસ્તાન માટે મંજૂરી માંગી રહ્યા છે. 12,250 કબરના પ્લોટ, એક ફ્યુનરલ પાર્લર અને એક પ્રેયર હોલ ધરાવતી આ યોજના લંડનના ગાર્ડન્સ ઓફ પીસના કદને વટાવી જશે, જે હાલમાં યુકેનું સૌથી મોટુ મુસ્લિમ કબ્રસ્તાન છે.
હાઇન્ડબર્ન બરો કાઉન્સિલના પ્લાનિંગ અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ સ્થાનિક લેન્ડસ્કેપને નુકસાન પહોંચાડશે, સંરક્ષિત વૃક્ષોને નુકસાન પહોંચાડશે અને ભૂગર્ભજળ માટે જોખમ ઊભું કરશે. તેની સામે હજારો રહેવાસીઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો અને દલીલ કરી હતી કે આ યોજના 10,815 લોકોના ગામને ડૂબાડી દેશે.
સ્થાનિક નેતાઓએ પર્યાવરણીય, શૈક્ષણિક અને આરોગ્ય લાભોનો ઉલ્લેખ કરીને પ્રકૃતિ માટે અનામત હોય તેવી વૈકલ્પિક યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, ઇસા ફાઉન્ડેશને આ વિચારને નકારી કાઢી કહ્યું હતું કે તેઓ “કબ્રસ્તાનની જોગવાઈ શોધવા માટે પ્રતિબદ્ધ છે.”
કાઉન્સિલરોએ કોઈપણ કબ્રસ્તાન યોજનાઓનો વિરોધ ચાલુ રાખવાનું વચન આપી ગ્રીન બેલ્ટનું જતન કરવું જોઈએ તેનો આગ્રહ રાખ્યો છે. સુધારેલી અરજી ક્યારે સબમિટ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.













