bivalent booster vaccine

ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D)ને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ ભલામણ અંતિમ મંજૂરી માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ને મોકલવામાં આવી છે. જો આ વેક્સિનને અંતિમ મંજૂરી મળશે તો તે દેશની પાંચમી વેક્સિન બનશે.

ગુજરાત સ્થિત જેનરિક ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડે 1 જુલાઈએ ZyCoV-D ના ઈમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી માટે અરજી કરી હતી. 28 હજાર સ્વયંસેવકો પર હાથ ધરવામાં આવેલા છેલ્લા તબક્કાના ટ્રાયલના આધારે આ અરજી કરવામાં આવી હતી. રસીની અસરકારકતા દર 66.6 ટકા હોવાનું બહાર આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રસી 12 થી 18 વર્ષની વય જૂથ માટે પણ સંપૂર્ણપણે સલામત છે. જો કે, તેના ટ્રાયલ ડેટાની હજુ સુધી સમીક્ષા કરવામાં આવી નથી.

જો આ રસી કટોકટીના ઉપયોગ બાદ સંપૂર્ણપણે મંજૂર થઈ જાય, તો તે ભારતની બીજી સ્વદેશી રસી હશે. આ અગાઉ, ભારત બાયોટેક અને ICMR એ મળીને પ્રથમ સ્વદેશી કોરોના રસી, કોવેક્સીન બનાવી હતી. અત્યારે દેશમાં કુલ 4 રસીની મંજૂરી આપવામાં આવી છે, જેમાં કોવિશિલ્ડ,. કોવેક્સિન, સ્પુટનિક અને મોડર્નાનો સમાવેશ થાય છે.
આ અગાઉ, ઝાયડસ કેડિલાએ કહ્યું હતું કે તેઓ મંજૂરી મળ્યા પછી બે મહિનાની અંદર રસી લોન્ચ કરી શકે છે. ઝાયકોવ-ડી રસી ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ રસી સામાન્ય ફ્રીઝરમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સંગ્રહિત કરી શકાય છે.