પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અબુ ધાબીમાં આવેલા બેપ્સના સ્વામિનારાયણ મંદિર તેમજ દુબઈમાં આવેલા મંદિરના સંચાલકો દ્વારા ભારતમાં હાલમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસના રોગચાળાની ઓક્સિજનની કટોકટી હળવી કરવા મદદના પ્રયાસો શરૂ કરાયા છે.

સંયુક્ત આરબ અમિરાતની સરકારના નેતાઓની પરિકલ્પનાને અનુરૂપ તેમજ ત્યાં વસેલા ભારતીય સમુદાયના લોકોના સહયોગથી અબુ ધાબીના બેપ્સ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઓક્સિજન ટેન્ક્સ તથા બાટલાની સપ્લાય ચેઈન ઉભી કરવાની દિશામાં પ્રયાસો કરાયા છે અને તે રીતે આ સપ્તાહે જ તેની સહાય ભારત પહોંચવાનું શરૂ થવાની ધારણા છે. આ પ્રયાસો દ્વારા માસિક 440 મે. ટન પ્રવાહી ઓક્સિજનનો પુરવઠો પ્રાપ્ય બનાવાશે. મંદિરના વડા, સ્વામી બ્રહ્મવિહારીદાસે આપેલી માહિતી અનુસાર આ રીતે ઓક્સિજનનો પુરવઠો સરકારના માધ્યમથી તેમજ બેપ્સની પોતાની કોવિડ હોસ્પિટલ્સમાં જરૂરતમંદ દર્દીઓને પ્રાપ્ય બનાવાશે.

આ સપ્તાહે પહોંચનારા રાહત સામગ્રીના પહેલા પુરવઠામાં 44 મે. ટન પ્રવાહી ઓક્સિજન, 600 બાટલામાં 30,000 લિટર મેડિકલ ઓક્સિજન તથા 120 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનો સમાવેશ કરાશે. આ સામગ્રી માટેનો લોજિસ્ટિકલ સહયોગ ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ દ્વારા હવાઈ માર્ગે તેમજ સમુદ્ર માર્ગે પુરો પડાશે. મંદિરના સાધુઓ તેમજ સ્વયંસેવકો સેવાઓનું સંકલન કરી રહ્યા છે.

દુબઈમાં આવેલા ગુરૂ નાનક દરબાર ગુરદ્વારાના ચેરમેન સુરેન્દર સિંહ કંધારીએ જણાવ્યું હતું કે, દર મહિને 10 ઓક્સિજન કન્ટેઈનર્સની સહાય મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમની રાહત સામગ્રીનો પ્રથમ પુરવઠો પણ શનિવારે કે રવિવારે દુબઈથી ભારત માટે રવાના થઈ જશે અને તે દિલ્હી તેમજ પંજાબમાં જરૂરતમંદ દર્દીઓને પહોંચાડાશે.

બન્ને સંસ્થાઓના વડાઓએ ભારત આ આરોગ્ય કટોકટીની સ્થિતિમાંથી પાર ઉતરે તે માટે પ્રાર્થના કરવાની પણ સમુદાયને હાકલ કરી છે. યુએઈમાં ભારતીય વેપારીઓ-ઉદ્યોગ સાહસિકોની આગેવાની હેઠળના વેપાર-ઉદ્યોગો પણ જરૂરી મદદ કરી રહ્યા છે. તેઓએ એકત્ર કરેલા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેઈનર્સ, ઓક્સિજનના બાટલા, કોન્સન્ટ્રેટર્સ વગેરેનો પહેલો જથ્થો તો ભારતના એરફોર્સના વિમાનો દ્વારા ભારતમાં પશ્ચિમ બંગાળ પહોંચાડી પણ દેવાયો છે.

આ ઉપરાંત, વ્યક્તિગત રીતે પણ લોકો શક્ય એટલી દરેક રીતે પોતાની યથાશક્તિ મદદ કરી રહ્યા છે, કોઈને બીજું કઈં સૂઝે નહીં તો સરકારના રાહત ભંડોળમાં નાણાંકિય ફાળો આપી રહ્યા છે.