પોતાના પ્રથમ ભારતના પ્રવાસ માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ ઉત્સાહિત અને આતુર હોય તેવું જણાય છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ દિલ્હી અને અમદાવાદની મુલાકાતે જશે. મંગળવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ભૂતપૂર્વ સૈનિકો માટે યોજાયેલા એક કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, હું ભારતની મુલાકાત માટે રાહ જોઈ રહ્યો છું. અમદાવાદમાં મારું સ્વાગત કરવા માટે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી 50 લાખથી 70 લાખ લોકો આવશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને જણાવ્યું છે.
અમેરિકામાં ચૂંટણી પ્રચાર અભિયાનને મહત્ત્વ આપી રહેલા ટ્રમ્પ એ વાતથી ઘણા ઉત્સાહિત છે કે, ભારતમાં લાખો લોકો તેમને જોવા અને સાંભળવા માટે આવવાના છે. વડાપ્રધાન મોદી સાથે તેમની થયેલી વાતચીત અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે, તે જેન્ટલમેન છે. મને કહેવામાં આવ્યું છે કે ત્યાં લાખો લોકો આવશે. પ્રેસિડેન્ટે કહ્યું હતું કે, ગત રાત્રે તેમની સભામાં લગભગ 40-50 હજાર લોકો હાજર હતા, જે કોઈપણની સરખામણીએ વધુ હતા. પરંતુ હવે મને આનાથી સંતોષ નથી થતો, કારણ કે મને લાગે છે કે ભારતમાં 50થી 70 લાખ લોકો એરપોર્ટથી નવા સ્ટેડિયમની વચ્ચે હશે. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે.
તો, બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પની ભારત મુલાકાત પ્રત્યે ખુશી વ્યક્ત કરતા ટ્વિટર પર જણાવ્યું છે કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાના 24-25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસ માટે તેઓ ખૂબ ખુશ છે. ભારત તેના સન્માનિત અતિથિઓનું યાદગાર સ્વાગત કરશે. આ પ્રવાસ ખૂબ જ ખાસ છે. તેનાથી ભારત-અમેરિકાની મિત્રતા મજબૂત બનશે. ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાત માટે અમેરિકા અને ભારતની વિવિધ સુરક્ષા એજન્સી સક્રીય બની છે સુરક્ષા અને સલામતી માટે પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. અમદાવાદમાં ટ્રમ્પ જ્યાંથી પસાર થવાના છે તે રસ્તાના નવીનીકરણના અનેક કાર્યો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.