ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષા થતાં સમગ્ર ઉત્તર ભારત અને પશ્ચિમમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું અને રાજધાની નવી દિલ્હીમાં કમોસમી વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં સમગ્ર ઋતુચક્ર બદલાયું હોય તેવું જણાઇ રહ્યું છે અને ભારતના વિવિધ રાજ્યોમાં આ વર્ષે ઠંડી-ગરમી અને અણધાર્યા વરસાદની પરિસ્થિતિ ઊભી થઇ હતી.
ભારે ધૂમ્મસના કારણે ઉત્તર ભારતમાં કેટલાક સ્થળે માર્ગો પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઇ ગઇ હતી પરિણામે અકસ્માતો થવાની શક્યતા પણ વધી હતી. નવી દિલ્હીમાં પણ શનિવારે વરસાદ અને ધૂમ્મસ જોવા મળ્યા હતા. વાતાવરણ ભેજવાળું અને ઠંડું થઇ ગયું હતું. હવામાન વિભાગે આગાહી કરી હતી કે કેટલાક વિસ્તારોમાં ઠંડી વધવાની અને વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા હતી. હિમાચલ પ્રદેશથી લઇને જમ્મુ-કશ્મીર સુધીના વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રી થઇ ગયું હતું અને હિમવર્ષા થઇ હતી.