વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવા કૃષિ કાયદાથી નાના ખેડૂતોને ફાયદો થશે. તેમના માર્ગમાં રહેલા અવરોધોને અમે હટાવ્યા છે, તેમણે આ વાત ફેડરેશન ઓફ ઇન્ડિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી)ના 93મા એન્યુઅલ કન્વેશનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધનમાં જણાવી હતી. ફિક્કી દ્વારા આયોજિત પ્રદર્શનનું પણ વડાપ્રધાને વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે કોવિડ 19ના મહામારીના પગલે જે પ્રગતિ અટકી હતી એ ફરીથી વેગવંતી બની છે અને દેશમાં વિદેશી મૂડીરોકાણ પણ ખૂબ જ વધ્યું છે. ફિક્કીની આ વાર્ષિક બેઠક ત્રણ દિવસની છે જેનો શનિવારથી પ્રારંભ થયો હતો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ઇકોનોમિક ઇન્ડીકેશન એવું સૂચવે છે કે સંજોગો આશાવાદી છે. કોરોનાના કઠણ સંજોગોમાં દેશને ઘણું નવું શીખવા મળ્યું. કટોકટી જેવા સંજોગોમાં પણ કેવી રીતે સ્વસ્થ રહીને ટકી રહેવું એ આપણે સમજી શક્યા છીએ. આ બાબતનો યશ આપણા યુવાન ઉદ્યોગપતિઓ, શ્રમિકો, ખેડૂતો અને દેશના યુવાનોને ઘટે છે.
તેમણે ઉમેર્યું કે કોરોના કાળમાં દેશ અને દુનિયા જે સંજોગોમાંથી પસાર થઇ છે એ થોડાં વરસો પછી આપણે યાદ કરીશું તો ખ્યાલ પણ નહીં આવે કે જેટલી ઝડપે સંજોગો બગડ્યા એટલીજ ઝડપે ફરી સંજોગો તેજીને વર્યા છે. વર્ષ 2020ના વર્ષમાં આપણે ઘણી ચઢઊતર જોઇ. પરંતુ બહુ ઝડપથી કળ વળી ગઇ. બાકી 2020ના વર્ષે સમગ્ર વિશ્વને પરેશાન કરી દીધું હતું.
સમગ્ર વિશ્વ માટે સમસ્યારૂપ આ મહામારી દરમિયાન નાગરિકોને બચાવવા આપણે જે પગલાં સત્વરે લીધાં એની સમગ્ર દુનિયાએ નોંધ લીધી. લોકોના જીવ બચાવવાના મુદ્દાને ભારતે અગ્રતા આપી અને એનાં પરિણામો આખી દુનિયા જોઇ રહી હતી. કોવિડ દરમિયાન પણ ભારતમાં વિદેશી મૂડી રોકાણે એક નવો રેકર્ડ સ્થાપ્યો હતો. એફસીઆઇમાં પણ ખસ્સો વધારો થયો હતો.
તેમણે કહ્યું કે આવી કટોકટી ભરેલી પરિસ્થિતિમાં પણ આપણે એકતાનો જે પુરાવો આપ્યો એેણે આખી દુનિયાને ચકિત કરી દીધી. તેમણે કહ્યું કે હાલની સરકાર સમગ્ર દેશવાસીઓના કલ્યાણ માટે વિવિધ પગલાં લઇ રહી હતી. નવા કૃષિ કાયદા નાના ખેડૂતોને પગભર કરવા માટે ઉપયોગી સાબિત થશે. ખેતીવાડીના અને ખેડૂતોના માર્ગમાં રહેલા અવરોધો અમે દૂર કર્યા છે. દેશવાસીઓની પ્રગતિ માટે સરકાર પગલાં લઇ રહી હતી.