ભારતમાં કોરોનાની રસી આપવા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોરોના મહામારી નિયંત્રણમાં આવી રહી હોવાના સંકેતો મળ્યા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 3.61 લાખ થયા છે, જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી ઓછા છે, અને તે કોરોનાના કુલ કેસમાં માત્ર 3.71 ટકા હોવાનું તેમ દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
ભારતમાં શુક્રવારે કોરોનાના નવા 30,225 કેસ નોંધાયા છે અને વધુ 443 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ 98,26,682 થયા છે અને મૃત્યુઆંક 1, 62, 610 થયો છે. દેશમાં કોરોનાના કુલ 93, 22, 096 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3,61,976 છે. છેલ્લે 18મી જુલાઈએ કોરોનાના કુલ સક્રિય કેસ 3,58,692 હતા. આરોગ્ય જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડાનું વલણ યથાવત્ રહ્યું છે. કોરોનાના સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનું અંતર 89 લાખના આંકડાને પાર કરી ગયું છે અને અત્યારે તે 89,27,085 છે. નવા રિકવરી કેસ કોરોનાના નવા કેસ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ છે. ઉપરાંત દેશમાં કોરોનાનો રિકવરી રેટ 94.84 ટકા થયો છે.
બીજી તરફ મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ કે. સંગ્મા શુક્રવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અત્યારે હોમ આઈસોલેશનમાં છે અને તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા છે. છેલ્લા કેટલાક દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોએ તેમની તપાસ કરાવી લેવી.