બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની મુંબઈ ખાતેની ઓફિસમાં તોડફોડ કરવા બદલ મુંબઈ કોર્પોરેશનને વળતર આપવું ચુકવવું પડશે. મુંબઈ હાઈકોર્ટે આ અંગે શુક્રવારે મુંબઇ કોર્પોરેશનને આદેશ આપ્યો હતો. 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના એક ભાગને BMCએ ગેરકાયદે ગણાવીને તોડી પાડ્યા હતા. તેથી કંગનાએ હાઈકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને BMC પાસે રૂ 2 કરોડનું વળતર માગ્યું હતું.

બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે કંગનાની ઓફિસમાં તોડફોડના કારણે જે નુકસાન થયુ છે તેનું મુલ્યાંકન કરવામાં આવશે અને એ પ્રમાણે વળતર ચુકવવાનુ રહેશે. કોર્ટે એ પણ માન્યું છે કે, આ તમામ તોડફોડ કંગનાને ધમકાવવા માટે અને દબાવવા માટે કરવામાં આવી હતી અને કોર્ટે કહ્યું છે કે તોડફોડનુ મુલ્યાંકન કરનાર વ્યક્તિ કંગના અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) બંને પક્ષની વાત સાંભળશે. તે પછી જે પણ વળતર હશે તે કોર્પોરેશને ચુકવવુ પડશે. ત્રણ મહિનાની અંદર મુલ્યાંકનની કામગીરી પુરી કરવાની રહેશે. ઓફિસનો બાકીનો હિસ્સો કે જેને કોર્પોરેશન ગેરકાયદે ગણાવે છે તેને કાયદેસર કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે બે મહિના સુધી કેસ ચાલ્યા બાદ તેનો શુક્રવારે ચુકાદો આવ્યો હતો. કોર્ટે કંગનાને પણ ચેતવણી આપી હતી કે કંગનાએ સમજી વિચારીને નિવેદન આપવા જોઈએ. કંગનાએ આપેલા નિવેદન જવાબદારી પૂર્ણ નથી પણ આ નિવેદનોને અવગણવામાં આવે તે જ વધારે સારો રસ્તો હોત. કોઈ વ્યક્તિ મૂર્ખતાપૂર્ણ વાતો કરે તો રાજ્ય તેની તાકાતનો ઉપયોગ કરી શકે નહીં.

કોર્ટે શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા તોડફોડ પહેલા અપાયેલા ધમકીપૂર્ણ નિવેદનોનુ પણ વિશ્લેષણ કરાયું હતુ. કોર્ટે કોર્પોરેશનની જોરદાર ઝાટકણી કાઢી હતી. કંગનાએ કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે, આ વ્યક્તિની નહીં પણ લોકશાહીની જીત છે.