અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસની રસી અંગે વિરોધ પક્ષના નેતાઓ જો બિડેન અને કમલા હેરિસ પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ બંને નેતાઓ રસી વિષે અમેરિકાના નાગરિકોમાં ગેરસમજ ફેલાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, કમલા હેરિસ ક્યારેય અમેરિકાનાં પ્રેસિડેન્ટ બની શકશે નહીં. તેમણે કમલા હેરિસ અમેરિકન નાગરિકોની નજરમાં બિનલોકપ્રિય હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રેસિડેન્ટ ટ્રમ્પે હેરિસના એ નિવેદન પર પણ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં હેરિસે જણાવ્યું હતું કે, રસી અંગે ટ્રમ્પના કોઇપણ દાવા પર તેમને વિશ્વાસ નથી. પરંતુ હવે ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમને ખબર છે કે કમલા હેરિસ કે જો બિડેન દેશના પ્રેસિડેન્ટ ક્યારેય બની શકશે નહીં.

લેબર ડે નિમિત્તે વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે, કમલા હેરિસ કોરોનાની રસીની ઉપલબ્ધતાને ઓછી આંકી રહ્યા છે અને તેમને આ કંઇ ખાસ સફળતા લાગતી નથી. હું મારા માટે આ સિદ્ધિ ઇચ્છતો નથી. હું ઇચ્છું છું કે લોકો ઝડપથી સાજા થઇ જાય અને વધુ કોઇ બીમારી ન આવે. આ સારવારમાં થેરાપ્યુટીક્સનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, રસી અંગે લોકોમાં ગેરસમજ ફેલાવવા માટે બિડેન અને કમલા હેરિસે તરત માફી માગવી જોઇએ અને સચ્ચાઇ જાણીને રસી અંગે ખોટી વાતો ફેલાવવી જોઇએ નહીં. તેનાથી લોકોના જીવન સામે જોખમ ઊભું થાય છે. મને વિશ્વાસ છે કે, રસી ખૂબ જ અસરકારક હશે અને અમેરિકામાં લોકોનું જીવન બચાવશે.

ટ્રમ્પે દાવો કર્યો કે, પોતાની હાર જોઇને કમલા હેરિસ અને જો બિડેને રસીના નામે લોકોમાં ગેરસમજ ફેલાવવાનું નક્કી કર્યું છે, કદાચ તેનો ફાયદો મળી શકે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, મેં કમલાની લોકપ્રિયતા 15થી શૂન્ય પર પહોંચતા જોઇ છે. આ ઉપરાંત પ્રાથમિક ચૂંટણીમાં પણ તેમની ખરાબ હાર થઇ છે અને આ જ કારણે ક્યારેય અમેરિકાનાં પ્રેસિડેન્ટ નહીં બની શકે.