સિંધુ બોર્ડર પર નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો (PTI Photo/Shahbaz Khan)

દિલ્હીના સીમાડે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને સરકારે તમામ સંબંધિત મુદ્દાની ચર્ચા કરવા માટે 30 ડિસેમ્બરે નવા રાઉન્ડની મંત્રણા માટે સોમવારે આમંત્રણ આપ્યું હતું.

ખેડૂતોનાના યુનિયનને લખેલા પત્રમાં કેન્દ્રીય કૃષિ સચિવ સંજય અગ્રવાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 30 ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યે મંત્રણા કરવાનું આમંત્રણ આપ્યું હતું. અત્યાર સુધી 40 કૃષિ યુનિયન અને સરકાર વચ્ચે પાંચ રાઉન્ડની મંત્રણા થઈ છે અને તેમાં કોઇ સફળતા મળી નથી. અગ્રવાલે જણાવ્યું હતું કે સરકાર ખુલ્લા મન અને સ્પષ્ટ ઇરાદા સાથે સંબંધિત મુદ્દાનો તાર્કિક ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો સોમવારે 33મો દિવસ હતો. ખેડૂતોએ વાતચીત ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરીને શનિવારે સરકારને ચિઠ્ઠી લખી હતી. ખેડૂતોએ મંગળવારે 11 વાગ્યે મીટિંગ કરવાનો સમય આપ્યો હતો. તેમણે 4 શરતો પર રાખી હતી. ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે નવા કૃષિ કાયદાઓને પરત લેવામાં આવે.