જ્હોન્સનની પ્રતિક તસવીર (Photo by Ben PruchnieGetty Images)

બ્રિટનમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા 104 ઉપર અને યુકેમાં એક જ દિવસમાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 33 ઉપર પહોંચી છે. ચેપ ધરાવતા અધિકૃત દર્દીઓની સંખ્યા 2,626 ઉપર પહોંચી છે. કોરોનાવાઈરસને કારણે વેલ્સ અને સ્કોટલેન્ડે જાહેરાત કર્યા બાદ યુકેભરની શાળાઓ શુક્રવારે બપોર પછી ‘આગળની સૂચના સુધી’ બંધ રહેશે એવી આજે જાહેરાત કરવામાં આવી હતી. હાઉસ ઑફ કૉમન્સમાં બોલતા ગેવિન વિલિયમ્સને જણાવ્યુ હતુ કે ઇસ્ટર બ્રેકને આગળ લાવવામાં આવશે.

જો કે, એનએચએસ, પોલીસ અને અન્ય આવશ્યક સેવાઓ આપતા અગત્યના કર્મચારીઓના બાળકોની સાર સંભાળ રાખી શકાય તે માટે વ્યવસ્થા કરાશે જેથી તેમના માતાપિતા કામ કરી શકે. મે અને જૂન માસમાં આયોજિત જીસીએસઇ અને એ-લેવલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે. જ્યારે નર્સરી અને ખાનગી શાળાઓ પણ બંધ રાખવાનું જણાવાયું છે.

બીજી તરફ લંડનના વેસ્ટમિંસ્ટરમાં હોર્સફેરી રોડ પર એક કામચલાઉ તંબુમાં મોર્ચ્યુરી શરૂ કરવામાં આવનાર છે. વેસ્ટમિંસ્ટર પબ્લિક મોર્ચ્યુરીમાં હાલમાં 102 શબ મૂકવા માટે જગ્યા છે પરંતુ તેને લગભગ બમણી કરાશે. રોગચાળાના કારણે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા તા. 18ના રોજ 2,626 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 56,221 લોકોનાં પરીક્ષણ કરવામાં આવ્યાં છે. ગઈકાલે સરકારે 3.7 મિલિયન પાઉન્ડના સોદામાં ફ્રેન્ચ સ્થિત પેઢી નોવાસિએટ પાસેથી હજારો ટેસ્ટ પરીક્ષણ કીટનો ઓર્ડર આપ્યો હતો.

બોરીસ જ્હોન્સને આખરે યુકેની કોરોનાવાયરસ ટેસ્ટ કરવાની ક્ષમતા એક દિવસના 5,000 ટેસ્ટથી વધારીને 25,000 કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કારણ કે ‘આંખે પાટા’ બાંધીને દેશમાં રોગચાળા સામે  લડી શકાય નહિ.  તેવી ચેતવણીઓ આપી હતી. જો કે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને આરોગ્ય સેવાની લેબ્સમાં સંપૂર્ણ વૃદ્ધિ બીજા ચાર અઠવાડિયા સુધી શક્ય નથી. જોકે સરકારે કંપનીઓને સમુદાયમાં વાપરી શકાય તેવી સ્વેબ ટેસ્ટ ‘ઝડપથી’ વિકસાવવામાં મદદ કરવા જણાવ્યું છે. જો કે યુકેમાં ટેસ્ટ કરવાની ક્ષમતા અન્ય ઘણા દેશો કરતા પહેલાથી જ વધારે છે અને તેમાં એનએચએસ સ્ટાફને પ્રાથમિકતા આપવામાં આવશે.

​ચાન્સેલર ઋષિ સુનકે કહ્યું હતું દસ મિલિયન લોકો તેમની નોકરી ગુમાવી શકે તેવા ડર વચ્ચે તેમની £ 350 બિલીયનની બેલઆઉટ ‘પૂરતી નથી’. બિઝનેસમેન VAT અને નેશનલ ઇન્સયુરંશ રદ કરવાના માંગ કરે છે. સરકાર દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે ઇમરજન્સી પેકેજમાં ભાડે રહેનારા અને સેલ્ફ એમ્પલોઇડ લોકોને તે મદદ કરવામાં નિષ્ફળ નિવડી છે.

અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે યુકેની અર્થવ્યવસ્થા 20 ટકા જેટલી સંકોચાઈ શકે છે અને ‘સામાજિક અંતર’ના પગલાં લાગુ થતાં એક મિલિયન લોકો તેમની નોકરી ગુમાવી શકે છે. બીજી તરફ 1985 પછી પાઉન્ડ અમેરિકન ડૉલર સામેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે જે પ્રતિ પાઉન્ડ 1.1875 ડૉલર પર ગયો હતો.

NHS સ્ટાફનુ ટેસ્ટીંગ થતુ ન હોવાથી તેમને  સ્વ-અલગ થવાની ફરજ પડી રહી છે કારણ કે તેમને ખાતરી નથી કે તેમને આ બીમારી છે કે નહીં. દરમિયાન, એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે સેલિબ્રિટીઝ ઘરે બેઠાં પોતાને વાયરસ છે કે નહિ તે ચેક કરવા માટે ઘરે બેઠા 375 પાઉન્ડ ચૂકવી ટેસ્ટ કરાવે છે. બીજી તરફ ગઈકાલે રાત્રે યુએસ કંપની થર્મો ફિશરના પ્રતિનિધિઓએ ડાઉનિંગ સ્ટ્રીટમાં યુએસમાં માન્યતા પ્રાપ્ત ચાર-કલાકમાં જવાબ આપતો ટેસ્ટ કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવ્યુ હોવાનુ મનાય છે.

હેલ્થ મિનિસ્ટર હેનકોકે કહ્યું હતુ કે ‘જાહેર સલામતી એ મારી પ્રાથમિકતા છે અને કોરોનાવાયરસ માટે ટેસ્ટ કરી જીવનને બચાવવા માટેની અમારી યોજનાનો મુખ્ય ભાગ છે. અમે પહેલેથી જ કોરોનાવાયરસ પરીક્ષણ માટે વિશ્વના શ્રેષ્ઠ લોકોમાં સામેલ છીએ અને આજે આપણી પરીક્ષણ ક્ષમતાને વધુ આગળ વધારવા માટે રાષ્ટ્રીય પ્રયાસ શરૂ કરી રહ્યા છીએ.

વાયરસનો ભય વધતાં યુરોપિયન શેરબજારમાં કડાકો

કોરોનાવાયરસના અવિશ્વસનીય ફેલાવાનો ભય, અમેરિકાએ ઇકોનોમીને બચાવવા માટે લીધેલા પગલા અને રોગચાળાના કારણે થનારા નુકશાનના ભયને કારણે યુરોપિયન સ્ટોક ઈન્ડેક્સ ફ્યુચર્સ બુધવાર તા. 18ના રોજ 5% થી વધુ ઘટ્યો હતો. યુરો સ્ટોક્સક્સ 50 ફ્યુચર્સ 2012ના સ્તરે ગગડ્યો હતો. જે 10 દિવસમાં નવમી વખત સતત ઘટ્યો હતો. જર્મન ડીએક્સ ફ્યુચર્સમાં પણ 4.1%, ફ્રેન્ચ સીએસી ફ્યુચર્સ અને લંડનના એફટીએસઇ 100 ફ્યુચર્સ પણ 3.9% નીચે નોંધાયો હતો.

કોરોનાવાયરસ ‘અભૂતપૂર્વ પડકાર’: મોરિસન્સ

બ્રિટીશ સુપરમાર્કેટ જૂથ મોરિસન્સે બુધવારે તા. 18ના રોજ ચેતવણી આપી હતી કે તે કોરોનાવાયરસ સાથેના “અભૂતપૂર્વ પડકારો અને અનિશ્ચિતતા”નો સામનો કરી રહ્યુ છે. 2020-21 વર્ષના પ્રથમ છ અઠવાડિયામાં ગત વર્ષની સરખામણીમાં છૂટક વેચાણમાં 5.0%નો વધારો થયો છે. અમારા કર્મચારીઓ અને ગ્રાહકોની સંભાળ રાખવી એ અમારી પ્રાથમિકતા છે અને ખાતરી કરીએ છીએ કે ખરીદી અને કામ કરવા માટે એક સ્વચ્છ અને સલામત જગ્યા બની રહે.” મોરીસન્સે કોરોનાવાયરસ સંકટમાંથી બહાર નીકળવા 3,500 નવી નોકરીઓ ઉભી કરી છે અને હોમ ડિલિવરીની કામગીરીને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.

સેઇન્સબરી ગ્રાહકોને મર્યાદિત માત્રામાં માલ વેચશે અને કેફે સહિતની સેવાઓ બંધ કરશે

ગ્રાહકોની ગભરાટભરી ખરીદીને રોકવા સેઇન્સબરી ગ્રાહકોને મર્યાદિત માત્રામાં માલ વેચશે તેમજ ગુરૂવારથી તેના સ્ટોરમા આવેલ કેફે, મીટ, ફીશ અને પીત્ઝા કાઉન્ટર્સને બંધ કરનાર છે. તેમ જ ઓનલાઇન સેવાઓને મજબૂત કરવા સાથે કલેક્શન સાઇટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી વિસ્તૃત ‘ક્લિક એન્ડ કલેક્શન’ સેવા ચલાવશે.

હવે ગ્રાહકો કરિયાણાની વધુમાં વધુ ત્રણ પ્રોડક્ટ અને ટોયલેટ પેપર, સાબુ અને યુએચટી દૂધની વધુમાં વધુ બે પ્રોડક્ટ જ ખરીદી શકશે. સોમવારે અલ્ડીએ રેશનિંગ શરૂ કર્યું હતું અને પ્રતિ ગ્રાહક કોઈપણ એક ઉત્પાદનની ચાર વસ્તુઓજ ખરીદવાની મંજૂરી આપી હતી. સેઇન્સબરી વૃદ્ધો અને નિર્બળ લોકો માટે સ્ટોર્સમાં કેટલાક કલાકો અનામત રાખવાની અને 70 વર્ષથી વધુ વય ધરાવતા અથવા અસક્ષમ લોકોને ઑનલાઇન ડિલિવરી સ્લોટ્સમાં પ્રાધાન્યતા આપવા માંગે છે. આઇસલેન્ડે પણ આજ પ્રથા અપનાવી છે.

કોરોનાવાયરસથી અસરગ્રસ્ત કંપનીઓને 420 બિલીયન ડોલરની મદદ

કોરોનાવાયરસનો ફેલાવો અને મૃત્યુનો આંક વધી રહ્યો છે ત્યારે બ્રિટનનુ અર્થતંત્ર ખોટકાઇ ન પડે તે આશયે બ્રિટન 330 બિલીયન પાઉન્ડની લોન ગેરેંટીની જીવાદોરી બિઝનેસીસને આપનાર છે. આ ઉપરાંત કરમાંથી કપાત, અનુદાન અને અન્ય મદદ માટે વધુ 20 બિલીયન પાઉન્ડ પૂરા પાડનાર છે. ચાન્સેલર ઋષિ સુનકે ફરીથી રિટેલરો, બાર, એરપોર્ટ અને અન્ય કંપનીઓને મદદ કરવા માટે જે કંઈ કરી શકે તે તમામ મદદ કરવાનું વચન આપ્યું છે. થિંક-ટેન્ક, ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝે હજૂ વધુ કાર્યવાહી કરવાની જરૂર રહેશે એમ જણાવ્યુ હતુ.

સુનકે જણાવ્યું હતું કે, તેઓ નવી લોન ગેરેંટી પ્રોગ્રામની સાથે, તમામ રિટેલ, હોસ્પિટાલિટી અને લેઝર બિઝનેસમાં મિલકત વેરા સસ્પેન્ડ કરશે. જે બ્રિટિશ ઇકોનોમિક આઉટપુટના 15% જેટલું હતું. તે ક્ષેત્રની કંપનીઓને રોકડ અનુદાનની ઓફર કરવામાં આવશે અને સરકાર એરલાઇન્સ અને એરપોર્ટ માટે સપોર્ટ પેકેજ પર ચર્ચા કરશે. હિથ્રો અને ગેટવિક સહિત બ્રિટનના સૌથી મોટા એરપોર્ટ્સે ચેતવણી આપી છે કે તેઓને સરકાર મદદ નહિ કરે તો સંપૂર્ણ શટડાઉનનો ખતરો છે.

બેંકો અને ધીરાણ કરતી કંપનીઓ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને ત્રણ મહિનાની મોર્ગેજ હોલીડે આપશે અને ભાડે રહેતા લોકોને પણ મદદ કરશે. સરકાર નોકરી અને આવકને ટેકો આપવા માટે પણ મદદ કરશે. બીજી તરફ ત્રણ મહિના સુધી દર્દીઓની નિયમિત સર્જરીને રદ કરાઇ છે.

ક્રાઉન કોર્ટની સુનાવણી સ્થગિત કરાશે

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રણ દિવસથી વધુ સમય ચાલે તેવા ક્રાઉન કોર્ટ કેસ શરૂ થશે નહીં. કારણ કે ઘણાં કેસમાં સાક્ષીઓ, સહયોગીઓ અને વિવિધ લોકોની કોર્ટમાં હાજરીની જરૂર હોય છે. એપ્રિલ 2020ના અંત પહેલા શરૂ થનાર આવા તમામ કેસ સ્થગિત કરવામાં આવશે.

એમેઝોન વેરહાઉસને માત્ર મહત્વપૂર્ણ પુરવઠો જ મળશે

એમેઝોન.કોમ ઇન્ક 5 એપ્રિલ સુધી તેના યુ.એસ., યુ.કે. અને અન્ય યુરોપિયન વેરહાઉસો પર માત્ર મહત્વપૂર્ણ પુરવઠો જ મેળવશે. જેને પરિણામે તે મેડિકલ અને ઘરગથ્થુ માલ માટે પોતાના વેરહાઉસમાં જગ્યા કરી શકશે. તેના ઘરેલુ સ્ટેપલ્સ અને તબીબી પુરવઠાનો સ્ટોક પૂરો થઈ રહ્યો છે ત્યારે આવા ઉત્પાદનોને ઝડપથી પ્રાપ્ત કરવા, ફરીથી સ્ટોક કરવા અને ગ્રાહકોને મોકલવાના ક્રમમાં તે અમુક કેટેગરીઝને પ્રાધાન્ય આપશે.

એમેઝોને બાળકના ઉત્પાદનો, આરોગ્ય અને ઘરગથ્થુ વસ્તુઓ, બ્યુટી અને પર્સનલ કેર, કરિયાણુ, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રોડક્ટ, પાલતુ પ્રાણીઓ માટેનો પુરવઠો, પુસ્તકો વગેરેને આવશ્યક ઉત્પાદનો જાહેર કર્યા છે. આઇફોન કેસ, એરપોડ્સ અને એપલ વૉચ બેન્ડ સહિતની લોકપ્રિય વસ્તુઓ માટેની ગ્રાહકોની માંગ ઘટી છે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે યુ.એસ.નું અર્થતંત્ર મંદી તરફ વળી રહ્યું છે.

આયર્લેન્ડ વૃદ્ધોને ઘરે રહેવાની સલાહ આપશે

આયર્લેન્ડની સરકાર એક ચોક્કસ તબક્કે વૃદ્ધો અને લાંબા ગાળાની બીમારી ધરાવતા લોકોને કોરોનાવાયરસના ફેલાવાથી જીવન બચાવવા માટે અઠવાડિયા સુધી ઘરે રહેવાની સલાહ આપશે તેમ વડા પ્રધાન લીઓ વરાડકરે જણાવ્યું હતું. આવા લોકો પાસે ખોરાક, પુરવઠો અને વસ્તુઓ હશે તેની ખાતરી કરવા અમે સિસ્ટમો મૂકી રહ્યા છીએ. આ કટોકટીથી અર્થવ્યવસ્થાને થયેલુ નુકસાન નોંધપાત્ર અને સ્થાયી રહેશે જેને ચૂકવવા માટે વર્ષોનો સમય લાગી શકે છે.