ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ એમ છેલ્લા બે વર્ષમાં ગુજરાતની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ રાજ્યના મહેમાન બન્યા હતા, એટલે કે, તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. આ પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવે છે તેમ, વન વિભાગ દ્વારા જણાવાયું હતું.
ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, વન્ય પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવાના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ-યાયાવર પક્ષીઓ માટે વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. જેથી ગુજરાત સમગ્ર દેશમાં ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઊભરી આવ્યું છે. ભારતની કુલ ૮૯ રામસર સાઇટ્સમાંથી ચાર રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં, નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડનો સમાવેશ
થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રીઝર્વ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે.
