કોવિડ-19 મહામારી શરૂ થઇ તે પછી પ્રથમવાર જર્મનીમાં એક જ દિવસમાં કોરોનાના નવા 65 હજાર કેસ છે. રોબર્ટ કોચ ઇન્સ્ટિટયૂટ ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝે જાહેર કર્યું હતું કે, એક અઠવાડિયા પૂર્વે જર્મનીમાં દર એક લાખ લોકોએ ચેપનો 249.1નો દર હતો તે વધીને હવે દર એક લાખે 336.9 થયો છે, જેથી દૈનિક કેસોની સંખ્યામાં આ સપ્તાહે 15,000 વધુ કેસ નોંધાયા છે. ઇન્સ્ટિટયૂટના પ્રેસિડેન્ટ લોથર વેઇલરે જણાવ્યું હતું કે, અમે અત્યારે જેટલા ચિંતિત છીએ એટલા અગાઉ ક્યારેય નહોતાં. આ મહામારીને નાથવા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ક્રિસમસ ખરાબ રહેશે. અત્યારે આપણે ગંભીર ઇમરજન્સી ભણી ધકેલાઇ રહ્યા છીએ. કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા એટલી ઝડપે વધી રહી છે કે ઘણી જગ્યાએ ફ્રી આઇસીયુ બેડ શોધવામાં કલાકો લાગી જાય છે. જર્મનીમાં 56.4 મિલિયન લોકોએ કોરોનાની રસી લીધી છે. જર્મનીના કેટલાક રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગ હોમના કર્મચારીઓ જેવા પ્રોફેસનલ જૂથોને ફરજિયાત કોરોનાની રસી આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. પડોશી ઓસ્ટ્રિયામાં સોમવારથી દસ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે અને ફેબ્રુઆરીથી ફરજિયાત રસીકરણ કરાશે તેવી ચાન્સેલર એલેકઝાન્ડર શેલનબર્ગે જાહેરાત કરી હતી. બીજી તરફ નોર્વેમાં સરહદ ક્રોસ કરવા પર કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. વધતા જતાં કોરોનાના કેસોને નાથવા માટે સરકારે હવે નોર્વેમાં પ્રવેશના ત્રણ દિવસ પૂર્વે સરકારી વેબસાઇટ પર તેમના નામની નોંધણી કરાવવી પડશે.
નોર્વેજિયન જસ્ટિસ મિનિસ્ટર એમિલિ એન્જર મેહલે જણાવ્યું હતું કે, આ નવા નિયમો 26 નવેમ્બરથી અમલમાં આવશે. સોળ વર્ષ અને તેથી વધારે વયના તમામ નોર્વેવાસીઓ તથા વિદેશીઓએ પણ સરકારી વેબસાઇટ પર દેશમાં પ્રવેશવાના ત્રણ દિવસ પૂર્વે નોંધણી કરાવવી પડશે.
રશિયામાં સતત ત્રીજા દિવસે કોરોનાના સાડા બારસો કરતાં વધારે મોત નોંધાયા હતા. રશિયાના ટાસ્ક ફોર્સે કોરોનાના નવા 37,156 કેસો નોંધાયા હોવાની જાહેરાત કરી હતી. બુધવારે કોરોના મરણાંક 1247 હતો જે ગુરૂવારે 1251 અને શુક્રવારે 1254 થયો હતો.