આંધ્ર પ્રદેશમાં અતિ ભારે વરસાદના કારણે તબાહી મચી છે. આ વરસાદથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે અને 100 કરતા પણ વધારે લોકો લાપતા છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ બગડી રહી છે અને અનેક વિસ્તારોમાં મકાનો ધસી પડ્યા છે. ભારે વરસાદના કારણે અનંતપુર જિલ્લાના કાદરી વિસ્તારમાં એક જૂની 3 માળની બિલ્ડિંગ તૂટી પડતા ત્રણ બાળકો અને એક વૃદ્ધાનું મૃત્યુ થયું છે. બિલ્ડિંગના કાટમાળમાં હજુ પણ ચાર કરતા વધુ લોકો ફસાયેલા છે અને બચાવ કામગીરી થઇ રહી છે. તિરૂપતિના ટેમ્પલ ટાઉનમાં પૂરના કારણે અનેક લોકો ફસાયેલા છે. તિરૂપતિમાં સ્વર્ણમુખી નદીમાં પૂર આવ્યું છે, જળાશયોમાં પાણી ભરાયા છે અને અનેક લોકો પૂરમાં ફસાયા છે. ઘાટ રોડ અને તિરૂમાલા હિલ્સના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સ્થિતિને સંભાળવા માટે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર ટીમો તૈનાત કરવામાં આવી છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. પૂરના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે તથા રેલવે, રસ્તા અને હવાઈ યાત્રા પ્રભાવિત થઈ છે. તેમાં રાયલસીમા ક્ષેત્ર સૌથી વધારે પ્રભાવિત થયું છે. રાજ્યના ચિત્તૂર, કડપા, કુરનૂલ અને અનંતપુર જિલ્લાને ભારે અસર પહોંચી છે. ગુરૂવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે ચેયુરૂ નદીમાં તોફાન સર્જાયુ છે જેથી કડપ્પા એરપોર્ટને 25 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યું છે.