એક્ટર સીન કોનેરીનો ફાઇલ ફોટો (REUTERS/David Moir/File Photo)

બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવીને વિશ્વવિખ્યાત બનેલા મુવી લિજન્ડ સીન કોનેરીનું 90 વર્ષની વયે શનિવારે અવસાન થયું હતું, એમ બીબીસી અને સ્કાય ન્યૂઝના અહેવાલમાં જણાવાયું હતું. સાત વખત જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનારા એક્ટર કોનેરીએ ચાર દાયકા સુધી સિલ્વર સ્ક્રીન પર રાજ કર્યું હતું.

કોનેરી ગરીબીમાં ઉછર્યા હતા. તેમણે કોફિન પોલિસર, મિલ્કમેન અને લાઇફગાર્ડ તરીકે કામ કર્યું હતું. પરંતુ બોડીબિલ્ડિંગના શોખને કારણે એક્ટિંગની તક મળી હતી અને તેનાથી તેઓ મહાન ફિલ્મસ્ટાર બન્યા હતાં. કોનેરી બ્રિટિશ એજન્ટ 007 તરીકે યાદ રહેશે.

અદભૂત વ્યક્તિત્વ અને રૂઆબદાર અવાજ ધરાવતા કોનેરીએ બોન્ડ સિવાયના ઘણા રોલ ભજવ્યા હતા. 1987ની ધ અનટચેબલમાં કડક શિકાગો પોલીસની ભૂમિકા બદલ તેમને એકેડમી એવોર્ડ પણ મળ્યો હતો. કોનરી 59 વર્ષના હતા, ત્યારે પીપલ મેગેઝિને 1989માં તેમને સેક્સિએસ્ટ મેન એલાઇવ જાહેર કર્યા હતા. કોનેરીએ પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મથી શરૂ કરીને સાત વખત આ આઇકોનિક પાત્ર ભજવ્યું હતું.

કોનેરીને 2000ના વર્ષમાં ક્વીન એલિઝાબેથ-2 દ્વારા નાઇટહૂડ એનાયત કરવામાં આવ્યું હતું અને તેઓ ‘સર સીન કોનેરી’ બન્યા હતા.
1962માં આવેલી પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મ ‘ડૉ. નો’થી તેમણે જેમ્સ બોન્ડનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. એમણે 1983 સુધીમાં સાત બોન્ડ ફિલ્મો ડૉ. નો, ફ્રોમ રશિયા વિથ લવ, ગોલ્ડ ફિંગર, થંડરબૉલ, યુ ઓન્લી લિવ ટ્વાઇસ, ડાયમંડ્સ આર ફોરએવર અને નેવર સે નેવર અગેઇનમાં વિખ્યાત જાસૂસી પાત્રની ભૂમિકા ભજવી હતી.

કોનેરીની અન્ય જાણીતી ફિલ્મોમાં માર્ની, મર્ડર ઑન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ, ધ મેન હુ વુડ બી કિંગ, ધ નેઇમ ઑફ ધ રોઝ, હાઇલેન્ડર, ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ લાસ્ટ ક્રૂસેડ, ધ હન્ટ ફોર ધ રેડ ઓક્ટોબર, ડ્રેગનહાર્ટ, ધ રૉક, ફાઇન્ડિંગ ફોરેસ્ટર વગેરેનો સમાવેશ થાય છે.