અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી બાદ ચાલુ મતગણતરી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પુત્ર ટ્રમ્પ જુનિયરે એક વિવાદિત નક્શો ટ્વિટ કરીને જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવી દીધો હતો.

ટ્રમ્પ અને મોદી એક બીજાને સારા મિત્ર ગણાવે છે ત્યારે ટ્રમ્પના પુત્રની આ ગબરડથી ભારતમાં વિવાદ ઉભો થયો હતો. ચૂંટણીના રિઝલ્ટનો અંદાજ આપતા ટ્રમ્પ જુનિયરે દુનિયામાં કયા દેશો સમર્થન આપી રહ્યા છે તે દર્શાવવા માટે કેટલાક દેશોને પોતાની પાર્ટીના લાલ રંગમાં અને બિડનને સમર્થન આપતા દેશોને ડેમોક્રેટિક પાર્ટીના ભૂરા રંગમાં દર્શાવ્યા હતા. આ નકશામાં ભારતને ભૂરા રંગમાં દર્શાવ્યું હતું. આમ ટ્રમ્પના પુત્રના મતે ભારત જો બિડનના સમર્થક દેશોમાં સામેલ છે. બીજી તરફ ઈરાન અને રશિયાને પોતાના સમર્થક બતાવ્યા છે. બિડેનના સમર્થનમાં દર્શાવાયા છે તેવા દેશોમાં ભારત ઉપરાંત ચીન અને મેકિસકો સામેલ છે.

ટ્રમ્પ જુનિયરે ટ્વિટ કરેલા નકશામાં ભારતના ઉત્તર પૂર્વના હિસ્સાને પણ અલગ દર્શાવાયો છે. કોંગ્રેસના શશી થરુરે નિશાન સાધતા કહ્યુ છે કે, ટ્રમ્પ પ્રત્યે મોદીના પ્રેમની આ કિંમત ભારત ચુકવી રહ્યુ છે. કાશ્મીર અને ઉત્તર પૂર્વના રાજ્યોને ટ્રમ્પના પુત્રે ભારતમાંથી બાદ કરી નાંખ્યા છે. આ પહેલા ટ્રમ્પ પોતાના ચૂંટણી પ્રચારમાં ભારતને ગંદો દેશ ગણાવી ચુક્યા છે.