ભારતીય હવામાન વિભાગે પાંચ રાજ્યોમાં હીટ વેવની ચેતવણી આપી છે. નોર્થ-વેસ્ટ ભારતના ઘણા રાજ્યોમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે અને ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. બુધવારે દેશની રાજધાની દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો. તેવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં મોટાભાગે આવનારા પાંચ દિવસ સુધી લોકોને તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળશે. જોકે, તાપમાનમાં વધારા બાદ લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના પણ વિભાગે વ્યક્ત કરી છે.
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આ રાજ્યોના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. IMD અનુસાર, મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી હીટ વેવ રહેવાની સંભાવના છે, પછી વરસાદની શક્યતા છે.
મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લોકો પણ ગરમીના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને અહીં પણ ગરમીનો પારો વધી રહ્યો છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયું છે.