સિંગાપોરમાં ભારતીય મૂળના માનસિક અસ્થિર મલેશિયન નાગરિક નગેન્થ્રન ધર્મલિંગમને ગુરુવારે ફાંસી આપવામાં આવી હતી. નગેન્થ્રનની માતાએ છેલ્લી ક્ષણ સુધી પોતાના પુત્રને ફાંસીથી બચાવવાના પ્રયાસો કર્યા પણ તે નિષ્ફળ ગયા હતા. ફાંસીના દિવસે સવારે ફરીથી નગેન્થ્રનની માતા કોર્ટમાં ગયા હતાં પણ કોર્ટે તેમની અરજી ફગાવતા તેને ફાંસી આપવામાં આવી હતી. નગેન્થ્રન પર ડ્રગ્સની હેરાફેરી કરવાનો આરોપ હતો.
નગેન્થ્રન માનસિક રીતે અસ્થિર હોવાને કારણે સમગ્ર વિશ્વના માનવાધિકાર કાર્યકર્તાઓએ તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતાં પણ 34 વર્ષના આ યુવકને અંતે ફાંસી આપવામાં આવી હતી.
34 વર્ષના નગેન્થ્રનની સિંગાપોરમાં 42.72 ગ્રામ હેરોઇનની હેરાફેરી કરવા બદલ 2019માં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના બીજા જ વર્ષે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર સિંગાપોરમાં પ્રવેશ કરતી સમયે વૂડલેન્ડ ચેકપોઇન્ટ પર તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના પગ પર હેરોઇનના પેકેટ બાંધેલા હતાં.
નોર્થ મલેશિયાથી સિંગાપોરમાં આવેલા ધર્મલિંગમની માતાએ કોર્ટ ઓફ અપીલ સમક્ષ અરજી કરી હતી પણ તેને ફગાવવામાં આવી હતી.