દેશમાં વસતા સૌ કોઇને ઇસ્ટર સુધીમાં કોરોનાવાયરસની રસી આપવાનું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ફાઇઝરે યુ.એસ. રેગ્યુલેટર્સને ઇમરજન્સી મંજૂરી માટે અરજી કરી છે જ્યારે બ્રિટિશ રેગ્યુલેટર્સ ડીસેમ્બરના પ્રારંભમાં નિર્ણય પર પહોંચી શકશે. સરકારે યુકેના ડ્રગ વોચડૉગ, MHRAને ફાર્માસ્યુટિકલ કંપનીઓ ફાઇઝર અને બાયોએનટેક દ્વારા બનાવવામાં આવેલી રસીનું મૂલ્યાંકન કરવા કહ્યું છે એમ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે શુક્રવારે સાંજે ટીવી બ્રફીંગમાં જણાવ્યું હતું.

મેટ હેનકોક કહે છે કે ‘’મને વધુને વધુ આત્મવિશ્વાસ છે કે વસંત ઋતુ સુધીમાં જીવન સામાન્ય થઈ જશે, કારણ કે એનએચએસ ઇસ્ટર દ્વારા રસી ઇચ્છતા દરેક પુખ્ત વ્યક્તિને કોરોનાવાયરસની રસી આપવાની યોજના ધરાવે છે.’’ તેમણે ફાઇઝરની રસીને મંજૂરી આપવાની પ્રક્રિયા ઔપચારિક રૂપે શરૂ કરી હતી. જે મળતાં જ એનએચએસ બે અઠવાડિયામાં અપેક્ષિત રસીકરણની શરૂઆત કરશે.

13 નવેમ્બરના રોજ કમીટી ઑન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશનની નિર્ધારિત અગ્રતા સૂચિ અનુસાર, ડિસેમ્બરની શરૂઆતમાં કેર હોમના રહેવાસીઓ અને કર્મચારીઓને, ડિસેમ્બરના મધ્યમાં 80 કરતા વધુ વયના લોકોને અને ડિસેમ્બરના અંતમાં સિત્તેર વર્ષની વયના લોકોને રસી અપાશે. જાન્યુઆરી માસના પ્રારંભથી 65થી વધુ વયના લોકો અને વધુ જોખમ ધરાવતા નાના પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવશે. જો બધી સંભવિત રસી ઝડપથી ઉપલબ્ધ થઈ જશે તો જાન્યુઆરીના અંતે 50 વર્ષથી ઓછી વયના તંદુરસ્ત પુખ્ત વયના લોકોને રસી આપવાની યોજના શરૂ થઈ શકશે. બધા અગ્રતા જૂથોને ફેબ્રુઆરીના અંત સુધીમાં આવરી લેવાય તેવી અપેક્ષા છે. મોટાભાગના 18 થી 50 વર્ષના લોકો જેમની કોવિડ-19થી મૃત્યુ પામવાની શક્યતા ઓછી છે તેમને માર્ચમાં રસી આપવામાં આવશે.  લગભગ ત્રીજા ભાગના પુખ્ત વયના લોકો રસી લેશે તેવી અપેક્ષા છે.

હેનકોકે કહ્યું હતું કે આ યોજનાનો સમયગાળો “વેક્સીનના નિર્માણની ગતિ પર આધારીત રહેશે” અને ડોઝ ઉપલબ્ધ થતાની સાથે એનએચએસ ઝડપથી ઇન્જેક્શન આપશે. નબળા જૂથો માટે તે રસીકરણ કાર્યક્રમ કરવામાં કેટલાક મહિનાનો સમય લાગશે.

યોજનાઓ સૂચવે છે કે જીપી અને સ્વયંસેવકો દ્વારા અઠવાડિયામાં ચાર કે પાંચ મિલિયન લોકોને રસી આપવામાં આવશે અને કેર હોમ અને મુસાફરી ન કરી શકે તેવા લોકો માટે પુરવઠો પહોંચાડવામાં આવશે. આ યોજના સૂચવે છે કે 88 મિલિયનથી વધુ ડોઝ, 44 મિલિયન લોકો માટે પૂરતા છે અને તેને  એપ્રિલના અંત સુધીમાં ઇંગ્લેન્ડમાં પહોંચાડવામાં આવશે.

આ અઠવાડિયાના અંતમાં આવેલા ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામોમાં ફાઇઝરની રસી તમામ ઉંમરના લોકોને કોરોનાવાયરસથી બચાવવા માટે 95 ટકા જેટલી અસરકારક સાબિત થઇ છે. એક ડોઝની £15 જેટલી કિંમત ધરાવતી  રસી એમએચઆરએ દ્વારા મંજૂર થશે તેમ જણાય છે, જે બ્રિટનના લોકોને મફત અપાશે. જોકે મોડેર્ના અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસી પણ તેની પાછળ જ છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટી – એસ્ટ્રાઝેનેકા રસી માટેના સફળ પરીક્ષણના પરિણામો, સૂચવે છે કે તે 90% લોકોનું રક્ષણ કરી શકે છે, જે ઘણા અઠવાડિયાના આશાસ્પદ તારણોનો ત્રીજો સમૂહ છે. રસીનો આ વિકાસ યુકે સરકાર માટે રાહતરૂપ બન્યો છે જેણે મોટા પ્રમાણમાં રસી માટે રોકાણ કર્યું છે.

વિશ્વના બાકીના દેશો, ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશો માટે પણ આ આકર્ષક સમાચાર છે. ફાઈઝર – બાયોએનટેક અને મોડેર્ના રસીની તુલનામાં ઓક્સફર્ડની રસી £20થી ઓછી કિંમત ધરાવે છે.વળી તેને અલ્ટ્રા-કોલ્ડ ફ્રીઝર્સમાં મોકલવાની અને સંગ્રહિત કરવાની જરૂર નથી જેનાથી મોટી લોજિસ્ટિક સમસ્યા હલ થશે.

યુનિવર્સિટી ઓફ ઑક્સફોર્ડના પ્રો. સારાહ ગિલ્બર્ટ, જેમણે સંશોધનનું નેતૃત્વ કર્યું છે તેમે જણાવ્યું હતું કે “અમે રેગ્યુલેટર્સને વિગતવાર માહિતી પૂરી પાડવાનું ચાલુ રાખીશું. આ બહુરાષ્ટ્રીય પ્રયત્નોનો ભાગ બનવાનો લહાવો છે, જેનો આખુ વિશ્વ લાભ મેળવશે.”

ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી ક્રિસમસ પહેલા આવે તેવી સંભાવના નથી

ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ રસીનો ઉપયોગ ક્રિસમસ પહેલા યુકેમાં થવાની સંભાવના નથી. કારણ કે આ પ્રોજેક્ટ ચલાવતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેઓ ડિસેમ્બર સુધીમાં રેગ્યુલેટર્સને પરિણામો આપે તેવી અપેક્ષા નથી. આ રસી માટે યુકે સરકારે 100 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે અને રોગચાળાને સમાપ્ત કરવાની બ્રિટનની સૌથી મોટી આશા માનવામાં આવે છે. આ પ્રોજેક્ટની પાછળના વૈજ્ઞાનિકોએ તા. 20ના રોજ જેબના પ્રારંભિક અજમાયશના પરિણામો પ્રકાશિત કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે બે ડોઝથી તમામ વય જૂથોના 99 ટકા લોકોમાં પ્રતિરક્ષાના મજબૂત સંકેત સર્જાયા છે.

સંશોધનકારોએ તા. 20ના રોજ પ્રકાશિત કરેલા અભ્યાસ મુજબ તેમની રસી વૃદ્ધ લોકોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયા આપે છે, જેમને મોટાભાગના ગંભીર કોવિડ-19 રોગનું જોખમ હોય છે, અને તે પરીક્ષણોમાં કોઇ જોખમ જણાયું નથી.

ઑક્સફર્ડ વેક્સીન ગ્રુપના ડિરેક્ટર પ્રોફેસર એન્ડ્ર્યૂ પોલાર્ડે તા. 20ના રોજ કહ્યું હતું કે ‘’અમે આશાવાદી છીએ કે આ અભ્યાસ પરિણામો લાવશે. તેમણે લાઇસન્સ મેળવવાની અને ત્યારબાદ ક્લિનિક્સમાં પહોંચાડવાની પ્રક્રિયા આપણા નિયંત્રણમાં નથી અને અઠવાડિયા કરતા વધુ સમય લાગી શકે છે.’’

ઑક્સફર્ડની રસીના પ્રથમ ડોઝના 28 દિવસની અંદર, તમામ વય જૂથોના લોકોએ બેઅસર એન્ટિબોડીઝ વિકસિત કર્યા છે, અને બીજા ડોઝ પછી આમાં વધુ વધારો થયો છે.