લેસ્ટરના બેલગ્રેવ સ્થિત મૂર્સ રોડ ખાતે એક મકાનમાં રહેતી 21 વર્ષીય ભાવિની પ્રવિણની તેની માતાની સામે જ ગત તા. 2 માર્ચના સોમવારના રોજ છરીના ચાર વાર કરી હત્યા કરનાર તેના પૂર્વ મંગેતર જિગુકુમાર સોરઠીને હત્યા બદલ દોષીત ઠેરવવામાં જ્યુરીને ફક્ત એક કલાકનો સમય લાગ્યો હતો.

સરકારી વકીલે કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે પ્રવિણ પરિવારે જીગુના ભાવિની સાથેના હિન્દુ રિવાજ મુજબના લગ્ન રદ કરી દેતા 24 વર્ષીય જીગુએ ઉશ્કેરાઇને બદલો લેવાના હેતુથી હત્યા કરી હતી. તેણીને બચાવવા માટે તબીબો દ્વારા ખૂબ જ પ્રયાસો છતાં ભાવિની હ્રદયમાં થયેલા ઘાના કારણે મરણ પામી હતી. લેસ્ટર ક્રાઉન કોર્ટમાં જાહેર થયેલા ચુકાદા વખતે ભાવિનીનો પરિવાર કોર્ટમાં હાજર હતો અને તેમણે ભાવિનીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ આપી હતી.

ઇસ્ટ પાર્ક રોડ, નોર્થ ઇવિંગટન ખાતે રહેતા સોરઠીએ સ્વીકાર્યું હતું કે તેના કારણે ભાવિનીનુ મૃત્યુ થયું હતું. પરંતુ તેણે હત્યાનો ઇન્કાર કરી દાવો કર્યો હતો કે તેણે હોશ ગુમાવી દીધો હતો અને તેનો પોતાના પર કાબુ રહ્યો નહતો.

કોર્ટમાં જણાવાયું હતું કે ભાવિનીની માતા વેસ્ટિ શંકરે પોતાની પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો જીવ ન લેવા વિનંતી કરી હતી. તા. 2 માર્ચે જીગુ પ્રવિણ પરિવારના ચાર બેડરૂમના ફ્લેટમાં ગયો હતો અને ભારતમાં રહેતી તેની માતાને તેમના લગ્ન રદ કર્યાની માહિતી કેમ આપી તે અંગે પૂછપરછ કરી હતી.

ભાવિની અને જીગુના 2017માં ભારતમાં સિવિલ મેરેજ થયા હતા અને ઑગસ્ટ 2018માં તે સ્પાઉસ વિઝા પર યુકે આવ્યો હતો. પરંતુ જ્યાં સુધી હિંદુ વિધી મુજબ લગ્ન ન થાય ત્યાં સુધી પ્રવિણ પરિવારે દંપતીને સાથે રહેવા દેવાની મનાઇ કરી હતી. ભારતમાં ફિશિંગ બોટ પર કામ કરતા જીગુએ વર્ષના નવ મહિના દરિયામાં વિતાવ્યા હતા અને પછી લેસ્ટરમાં કપડાની ફેક્ટરીમાં પ્રતિ કલાક 3 પાઉન્ડ લેખે કામ કર્યું હતું.

જીગુએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેને પ્રવિણ પરિવાર દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો અને તેની પાછળમું કારણ દારૂ પીવાનું અને તેમને ના પસંદ લોકો સાથે મળતો હોવાનું અપાયું હતું. તેણે આરોપ લગાવ્યો હતો કે ભાવિનીના પિતા પ્રવિણ બાબુએ એક વખત તેને છરીની ધમકી આપી હતી – જેના કારણે તે 2 માર્ચે “આત્મરક્ષણ” માટે છરી લઈને ગયો હતો. ભાવિની અને તેની માતાએ જીગુને ગાળો બોલતા તેણે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું જોકે જ્યુરી દ્વારા તે નામંજૂર કરાયું હતું.

હત્યાના બે કલાક બાદ જીગુ જાતે જ ‘’પોતાનું જીવન બરબાદ કરી દીધું’’ એમ કહીને સ્પિની હિલ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. જીગુએ જ્યુરીને કહ્યું હતું કે તે હવે ભાવિનીને વધુ ચાહતો નહતો અને તેમનું લગ્નજીવન બચાવવા માંગતો હતો. જીગુએ ઇયુ રેસીડેન્સી વિઝા ન મળે ત્યાં સુધી તેણીને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ભાવિનીના પિતા પ્રવિણ બાબુએ લેસ્ટર ક્રાઉન કોર્ટમાં ચુકાદો જાહેર થયા બાદ તેમના પરિવાર વતી કરેલા  નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’અમારા જીવનમાંથી પ્રકાશ નીકળી ગયો છે અને તેના મૃત્યુથી અમે બરબાદ થઇ ગયા છીએ. ભાવિની પ્રેમાળ, સૌમ્ય અને કેરીંગ પુત્રી હતી. તે કૉલેજમાં ભણતી હતી અને કુટુંબને ટેકો આપવા માટે મારી સાથે કામ કરતી હતી. તે અમારા માથે પર છત અને ટેબલ પર ભોજન મળે તે માટે પ્રયત્ન કરતી હતી. જ્યારે ભાવિનીનો જન્મ થયો, ત્યારે અમને લાગ્યું હતું કે અમારી બધી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો છે. તે અમારા કુટુંબની ‘લક્ષ્મી’ હતી. તે અમારી પ્રેરણા હતી. નાનપણથી જ ભાવિનીએ તેના નાના ભાઈઓને પ્રેમ આપ્યો હતો. ભાવિની અને મેં એક જ પ્રોડક્શન લાઇન પર ચાર વર્ષ સાથે કામ કર્યું હતું. તે મારી પત્ની સાથે બધે જતી ત્યારે લોકો કહેતા કે તેઓ બહેનો જેવા લાગે છે. તેઓ એક બીજાના શ્રેષ્ઠ મિત્ર હતા.’’

તેમણે જણાવ્યું હતું કે “માતાપિતા તરીકે અમારી આકાંક્ષાઓ હતી કે અમારી પુત્રી સારૂ શિક્ષણ મેળવશે અને તેની પસંદના નર્સિંગમાં કામ કરશે, તેને સપનાનો પતિ મળશે અને ખુશીથી જીવન જીવશે. અમે જીગુને વધુ સારું જીવન આપવા ઇંગ્લેન્ડ લાવ્યા હતા તેને ટેકો આપ્યો, તેને રાખ્યો હતો. પરંતુ જીગુએ અમારી પ્રિય ભાવિનીની હત્યા કરીને અમને બદલો આપ્યો. અમારી પુત્રીનો અંતિમ શબ્દ ક્યારેય ભૂલી નહીં શકીએ કારણે કે તેણે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે તે ‘મમ્મી’ બોલી હતી.”

સુનાવણી દરમિયાન મેરી પ્રાયોર, ક્યુસીએ કહ્યું હતું કે “જીગુને ખબર હતી કે તેણે શું કર્યું છે. તે

પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેણે એમ કહ્યું ન હતું કે તેણે હોશ ગુમાવી દીધો હતો કે તે નિયંત્રણમાં નહતો. તેણે તો એમ કહ્યું હતું કે તેણે જે કર્યું તેના કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું હતું. તેણે પોતાનો બદલો લીધો હતો.”

ચુકાદા પછી, ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઑપરેશન્સ યુનિટ મેજર ક્રાઈમ ટીમના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર કેની હેનરીએ જણાવ્યું હતું કે: “બચાવહીન યુવતી પર આ એક દુષ્ટ હુમલો હતો.

જજ ટીમોથી સ્પેન્સર, ક્યુસીએ સજાને બુધવાર તા. 16ના રોજ મુલતવી રાખી હતી.